અમદાવાદઃ અમદાવાદમાં પ્રેમપ્રકરણનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ભાભીને તેના દિયર સાથે સંબંધ બંધાતા તેની નાની બહેનના લગ્ન દિયર સાથે કરાવી દીધા હતા. કોઈને શંકા ન જાય અને પોતાનું પ્રેમપ્રકરણ ચાલુ રહે તે માટે પરિણીતાએ ખતરનાક ગેમ રમી હતી. પરંતુ આખરે ભાંડો ફૂટ્યો હતો. અમદાવાદમાં રહેતી એક યુવતીને 15 વર્ષથી દિયર સાથે પ્રેમસંબંધ હતો. દિયરને પોતાનો બનાવી રાખવા મહિલાએ પોતાની જ નાની બહેનના દિયર સાથે લગ્ન કરાવી દીધાં હતાં. જીજા-સાળીનો સંબંધ બની જતાં પ્રેમસંબંધ અંગે કોઈને શંકા પણ ન જાય અને સાથે રહી શકે તેના માટે મહિલાએ લગ્ન કરાવી દીધાં હતાં. જોકે જ્યારે મોબાઈલમાં મોટી બહેન અને પતિ વચ્ચે વાતો અને ફોન કોલની જાણ થતાં મહિલાએ અભયમ હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે બંને બહેનો અને યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું. ભાભી-દિયરમાંથી જીજા સાળી બનીને પ્રેમ સંબંધનો અંત લાવી પતિ-પત્ની અલગ રહેવા જશે તેવી બાંહેધરી આપતા સુખદ સમાધાન થયું હતું.


પતિ મોબાઇલમાં વ્યસ્ત રહેતો, મોટી બહેન સતત કામ કરાવતી


મહિલા હેલ્પલાઇન અભયમ 181ને કોલ મળ્યો હતો કે, પતિએ મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકી છે અને હવે ઘરમાં રહેવાની ના પાડે છે. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. હેલ્પલાઇનની ટીમે મહિલાની પૂછપરછ મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાની રહેવાસી અને 1 વર્ષ પહેલાં જ સંજય સાથે તેના લગ્ન થયા હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું મારી મોટી બહેનના દિયર સાથે મારા લગ્ન કરાવવામાં આવ્યા છે. બંને બહેનોના એક ઘરમાં જ બે સગાભાઈઓ સાથે લગ્ન થયેલા છે અને સાથે જ રહે છે. મોટી બહેનના લગ્ન 15 વર્ષ પહેલાં થયા હતા. પરિણીતાનો પતિ હંમેશા મોબાઈલમાં વ્યસ્ત અને મોટી બહેન પણ ઘરમાં સતત કામ કરાવતી હોવાથી તેને શંકા ગઈ હતી.


મોટી બહેન અને પતિની ચેટ-ફોન કોલે ફોડ્યો ભાંડો
પતિનો મોબાઈલ જોતા તેમાં પોતાની મોટી બહેન અને પતિ સંજય વચ્ચેની ચેટ અને ફોન કોલ મળી આવ્યા હતા. બંનેને આ બાબતે પૂછતાં જાણવા મળ્યું હતું કે, મોટી બહેન અને પતિ સંજય બંને પ્રેમમાં હતા. બંને એકબીજા સાથે પ્રેમ રહે અને કોઈને પ્રેમસંબંધ અંગે જાણ ન થાય તેના માટે દિયરના લગ્ન છાયા સાથે કરાવી દીધા હતા. ભાભી-દિયર અને બાદમાં જીજા-સાળીનો સંબંધ બનાવી એકબીજાના પ્રેમ જાળવી રાખવા આ રીતે મોટી બહેને નાની બહેનને પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા હતા. આ સમગ્ર બાબતે મહિલા હેલ્પલાઇનની ટીમે કાયદાકીય માહિતી  આપી બંને બહેનોના લગ્નજીવનને તૂટતાં બચાવી લીધું હતું.