અમદાવાદ: ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં અમદાવાદના જાણીતા લો ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ નામનું ફૂડ પ્લાઝા ખુલ્લુ મૂકવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર માટેના પાર્કિંગ ચાર્જ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન તરફથી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે, અગાઉ આ જગ્યાને ખાઉગલીના નામે જાણીતી હતી જે હવે ‘હેપ્પી સ્ટ્રીટ’ના નામે ઓળખાશે.


આ હેપ્પી સ્ટ્રીટની વિશેષતા એ છે કે, અહીં ફૂડ વાન જોવા મળશે અને તે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 1 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે ખુલ્લુ રહેશે. આ સ્થળનો સવારે પે-પાર્કિંગ તરીકે ઉપયોગ કરવામાં આવશે. કુલ 400 ટુ-વ્હીલર અને 60 ફોર-વ્હીલરના પાર્કિંગની ક્ષમતા ધરાવતી આ લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં તમામ ફૂડ વાનની એકસરખી ડિઝાઈન જોવા મળશે.

લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં 31 જેટલી મોટી અને 11 નાની ફૂડ વાન ઊભી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એક ફૂડ વાન આગળ આશરે 24 લોકો બેસી શકે એટલે જગ્યાની વ્યવસ્થા છે. તેની સામેની બાજુએ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર માટેના પાર્કિંગ ચાર્જ AMC તરફથી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં સવારે 8:30થી સાંજે 4 વાગ્યા દરમિયાન ટૂ-વ્હીલર માટે રૂપિયા 10 અને ગાડીઓ માટે 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સાંજે 4થી સવારે 5 વાગ્યા (બીજા દિવસે) દરમિયાન પાર્કિંગ ચાર્જ, ટૂ-વ્હીલર માટે રૂપિયા 30 જ્યારે ગાડીઓ માટે 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટમાં પાર્કિંગની બાજુમાં સાઈકલ ટ્રેક અને ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાજુમાં બેસવા માટે બાંકડા પણ મૂકવામાં આવ્યા છે. જ્યાં ફૂડ વાન ઊભી રહેશે ત્યાં એક ડ્રેનેજ લાઈન પણ નાખવામાં આવી છે અને આખી સ્ટ્રીટ ફૂડમાં હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે.