અમદાવાદઃ ગત 10મી સપ્ટેમ્બરે શહેરના દધીચી બ્રિજ પરથી કૂદીને યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ યુવકના આપઘાતના કેસમાં સૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, પિતા એ સપનામાં આવી ને કહ્યું કે "તારા કારણે મારુ મોત થયું". હું પિતાની માફી માંગવા તેમની પાસે જાઉં છું, તેમ લખી આપઘાત કર્યો હતો. મૃત યુવક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં હકીકત બહાર આવી છે. આપઘાત પાછળનું સાચું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, ગત 10મી સપ્ટેમ્બરે 33 વર્ષીય રજનીકાંત પરમાર નામના યુવકે પુલ પરથી કૂદકો તો લગાવ્યો હતો પણ તંત્રએ સુરક્ષા માટે ગોઠવેલી જાળીમાં તે ફસાઈ લટકી ગયો હતો. જોકે, આ પછી હાથ લપસતા યુવક મોતને ભેટ્યો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ જે તે સમયે સામે આવ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, પુલ પરથી પસાર થતાં લોકો યુવકને બચાવવા આમ તેમ હવાતિયા મારી રહ્યા હતા અને રાડ બૂમ કરી રહ્યા હતા પણ છેલ્લી ઘડીએ યુવકનો હાથ રેલિંગ પરથી લપસતા યુવક સીધો નદીમાં પટકાયો હતો જે બાદ યુવકનું કરૂણ મોત થયું હતું.
પોલીસને તપાસ દરમિયાન ચોપડાના પેજમાં પેનથી લખેલી એક નોટી મળી આવી હતી. જેમાં ભાઈ સોરી લખેલું હતું. આ પછી લખ્યું હતું કે, નયનભાઈ મને માફ કરજો. તમને એકલા મુકીને જાઉ છું, પણ શું કરું પપ્પાની બોવ યાદ આવ છે. પપ્પાએ મને જ્યારે આવીને કીધું કે મારા કારણે એમનું મોત થયું છે, ત્યારનો પરેશાન છું. ખરેખર મેં માતાજીની કોઈ ભુલ કરી દીધી છે, જેના લીધા આવુ થયું અને હું આ બોજ લઈ જીંદગી નઈ જીવી શકુ કે પપ્પાનું મોત મારા કારણે થયું છે. મગજ કામ કરતું નથી. ગાંડો થઈ જઇશ તો તમારે ઉપાધી આવી જશે અને તમારો આભાર મને ચાર મહિનાથી સાચવો છો અને મારું વેઠો છો છતા મને કંઈ બોલતા નથી. કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજે.