દિવાળી, નવા વર્ષે અને તહેવારોમાં પર આપણે માર્કેટમા અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ અને ઓફર્સ જોઈએ છે. પરંતુ અમદાવાદના આઇઆઇએમ રોડ પર આવેલા ફકીરા બર્ગર કંઈક અલગ જ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપે છે.


આ ફૂડ સ્ટોલ પર આવનાર વ્યક્તિને એવી ઓફર આપવામાં આવી છે કે જો તે રાષ્ટ્રગીત જોરથી ગાય તો તેને આ સ્ટોલના માલિક પાર્થિવ ઠક્કર 20 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. પાર્થિવ ઠક્કર અહીં 9થી 10 જાતના ઓથેન્ટિક બર્ગર વેચે છે. ઘણી વખત યુવાઓ રાષ્ટ્રગીત ગાયા પછી પણ ડિસ્કાઉન્ટ નથી લેતા.

ફકીરા બર્ગરના માલિક મોટાભાગે વિદેશમાં રહ્યા છે. પરંતુ પોતાની પત્નીની સારવાર માટે તેઓ અમદાવાદમાં આવ્યા અને તે સમયે કોરોના વાયરસને કારણે લોકડાઉન આવ્યુ એટલે તે ફરી વિદેશ જઈ શક્યા નહીં.

બાદમાં અહીં કમાણીનું કોઈ સાધન તેમની પાસે રહ્યું ન હતું. જેથી તેમણે પુત્રીના કહેવાથી બર્ગર સ્ટોલ શરૂ કર્યો અને યુવાનોમાં દેશભક્તિ અને રાષ્ટ્રગીત પ્રત્યે જાગરુકતા એવા તેવા ઉમદા હેતુથી આ પ્રકારે ડિસ્કાઉન્ટની ઓફર શરૂ કરી.

પાર્થિવ ઠક્કર ઇંગ્લેન્ડમાં 12 વર્ષ રહ્યા અને શિકાગોમાં 10 વર્ષ રહ્યા છે. તેઓ ઇંગ્લેન્ડમાં મ્યુઝિક શો કરતા હતા. જ્યારે શિકાગોમાં મોટેલ્સમાં જોબ કરતા હતા. તેઓ બે વર્ષ પહેલા જ ભારતમાં આવ્યા હતા. પત્નીને કેન્સર ડિટેક્ટ થતા અહીં આવ્યા હતા. લોકડાઉન અને પત્નીની સારવારને કારણે તેઓ ફરી વિદેશ જઈ શક્યા ન હતા.