Ahmedabad Air Quality Index:દિલ્લીની જેમ અમદાવાદમાં પણ હવાનું પ્રદૂષણ તેની ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર થઈ ગયો છે. ખાસ કરીને અમદાવાદના થલતેજ, બોડકદેવ, સાઉથ બોપલ,સેલા વિસ્તારમાં તો હવાના પ્રદૂષણનું સ્તર 200નો આંક પાર કરી ગયું છે. જેથી આ વિસ્તારમાં સવારે આને સાંજે ધુમ્મસ છવાઇ જાય છે અને અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાઇ રહી છે. ફરી એકવાર વધેલા વાયુ પ્રદૂષણને લઈ બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓને તકેદારી રાખવી જરૂરી ઉભી થઇ છે. નોંધનીય છે કે, એબીપી અસ્મિતા સહિતના સમાચાર માધ્યમોના ઝેરીલી હવા મુદ્દે અહેવાલો પ્રસારિત કરતા ખુદ મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગને હવા પ્રદૂષણને નાથવા અસરકારક પગલા ભરવાના આદેશ કર્યા હતાં. મુખ્યમંત્રીના આદેશ બાદ શહેરી વિકાસ વિભાગની ટીમ ત્રણ દિવસમાં જ રાજ્યની 17 મહાનગરપાલિકા વિસ્તારની અઢી હજારથી વધુ બાંધકામ સાઈટ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરનારી 541 બાંધકામ સાઈટ્સને 1 કરોડ 23 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
દિલ્લીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને પાર
દિલ્હીની હવાની ગુણવત્તા ફરી એકવાર "ખૂબ જ ગંભીર" શ્રેણીમાં આવી ગઈ. શુક્રવારની સવારની શરૂઆત ધુમ્મસથી થઈ. આકાશમાં ધુમ્મસનું પાતળું પડ પણ દેખાયું, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઇ ગઈ. દિવસ દરમિયાન લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા, અને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પવનની ગતિ ઓછી થવાને કારણે રાજધાનીમાં પ્રદૂષણ વધ્યું છે. ગુરુવારે, દિલ્હીનો AQI 300 ને વટાવી ગયો હતો . દિલ્હી માટે એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર, શુક્રવારે સવારે રાજધાનીના સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 326 નોંધવામાં આવ્યો હતો.
સવારે 7 વાગ્યે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, અલીપુરમાં AQI 347, આનંદ વિહાર 386, અશોક વિહાર 374, આયા નગર 255, બાવાના 365, બુરાડી 350, ચાંદની ચોક વિસ્તારમાં 362 નોંધાયું છે.
બીજી બાજુ, DTU માં 361, દ્વારકા સેક્ટર 8 માં 335, IGI એરપોર્ટ T3 વિસ્તારમાં 243, ITO માં 354, જહાંગીરપુરીમાં 401, લોધી રોડ 274, મુંડકા 371, નજફગઢ 228, પંજાબી બાગ 360, રોહિણી 384, વિવેક વિહાર 384, સોનિયા વિહાર 338, આરકે પુરમ 338, વઝીરપુર 382 નોંધાયું છે.
શનિવાર સુધી હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' રહેશે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ આગાહી કરી છે કે, શનિવાર સુધી હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં રહેશે. આનાથી શ્વસનતંત્રના દર્દીઓને તકલીફ થશે. લોકોને આંખોમાં બળતરા પણ થઈ શકે છે. વધુમાં, ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ગંભીર અને ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે.