અમદાવાદ:  અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.  પ્લેન ક્રેશ થયું તે સ્થળના તાજેતરના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો જોઈને તમે કલ્પના કરી શકો છો કે કેટલી મોટી દુર્ઘટના ઘટી છે.   AI-171 ક્રેશ સાઇટના તાજેતરના દ્રશ્યો જોઈને તમે પણ હચી મચી જશો.

લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ  ક્રેશ થઈ હતી. પ્લેન જે જગ્યા પર ક્રેશ થયું ત્યાં મોટાપાયે નુકસાન થયું છે.  બીજે મેડીકલ હોસ્ટેલના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે પ્લેન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી હતી. 

વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું

અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા.  વિમાન બીજે મેડિકલ હોસ્ટેલના કેમ્પસ પર ક્રેશ થયું હતું. મેશમાં વિદ્યાર્થીઓ જમતા હતા અને વિમાન ક્રેશ થયું હતું. 

એર ઈન્ડિયાનું વિમાન જે સમયે ક્રેશ થયું ત્યારે બીજે મેડિકલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ કેન્ટીમાં જમી રહ્યા હતા. વિમાન ક્રેશ થતાની સાથે જ કેન્ટીનમાં જમવા બેસેલા મેડિકલના વિદ્યાર્થીઓમાં દોડભાગ મચી ગઈ હતી. પ્લેન ક્રેશ થતા જ બીજે મેડિકલ હોસ્ટેલની બિલ્ડીંગ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. કેન્ટીનની અંદર સુધી વિમાનના કેટલાક ભાગો ઘૂસી ગયા હતા.

પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા મૃતકોને 1-1 કરોડ આપશે ટાટા ગ્રુપ

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ સમયે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે." 

આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા લખ્યું છે કે, "ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય પૂરી પાડશે. અમે ઘાયલોનો તબીબી ખર્ચ પણ સહન કરીશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."