Gujarat Weather Update: ગુજરાતમાં હાલમાં આકરી ગરમી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે. હવે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણને લઈને મહત્વની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ગુજરાતમાં ઉનાળામાં  ચોમાસા જેવો માહોલ સર્જાશે.

એપ્રિલ મહિનામાં ક્યાંક છાંટા તો ક્યાંક ધૂળની ડમરીઓ ઊડશે. આજથી હવામાનમાં પલટો આવી ગયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે છાંટા પડશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ 35થી 50 કી.મી. પ્રતિ કલાકની ઝડપનો પવન રહેશે. જોકે, 14 એપ્રિલ પછી ફરીથી ગરમીમાં વધારો થશે. 

તારીખ 17થી 22 દરમિયાન ફરીથી હવામાનમાં પલટો આવશે. 26મી એપ્રિલ બાદ ગરમીમાં વધારો થતો જોવા મળશે. ગુજરાતના કેટલાક ભાગોમાં 45 ડિગ્રી તાપમાન પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પવનની ગતિ વધારે રહેશે, મે મહિનામાં જે વાતાવરણ હોય તેવું વાતાવરણ એપ્રિલના અંતમાં જોવા મળશે.

બીજી તરફ, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી શકે છે. જો કે, ઉત્તર પશ્ચિમ ભારત, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ ત્યારબાદ ચાર દિવસ સુધી તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

બિહારમાં પટના સહિત 11 જિલ્લાઓમાં ભારે તોફાન અને વરસાદ સતત થઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં 45 લોકોના મોત થયા છે, જેમાંથી વીજળી પડવાથી અત્યાર સુધીમાં 38 લોકોએ જીવ ગુમાવ્યા છે. એકલા નાલંદા જિલ્લામાં જ વૃક્ષો અને દિવાલો નીચે દટાઈ જવાથી 18 લોકોના મોત થયા છે.

અંબાલાલ પટેલની મોટી રાજકીય આગાહી

તમને જણાવી દઈએ કે, વાતાવરણની આગાહીની સાથે સાથે અંબાલાલ પટેલે રાજકીય આગાહી પણ કરી છે. તેમણે જણાવ્યું કે,   19મી મે પહેલા ગુજરાત સરકારમાં ફેરફાર થશે. ગુજરાતની સરકાર સ્થિર પણ અનિષ્ટ બાબતોથી બચવું આવશ્યક છે. તેમણે કહ્યું કે, મીનનો શનિ અને પંચગ્રહી યોગની અસર રાજકારણ પર થશે. આસુરી સંપતિનો ઉદય થવાથી રાજકીય હલનચલન જોવા મળશે. ટ્રમ્પના ટેફિફ મુદ્દે ગુજરાત રાજ્યમાં પણ અસર થશે. ગુજરાત સરકારમાં નવીનતમ બાબતો બનશે. કેન્દ્ર સરકારની સ્થિરતામાં વાંધો નહીં આવે પણ નવાજૂની થશે.