ગાંઘીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે તારીખ 3થી 10માં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. સાબરકાંઠા ,મહેસાણા,બનાસકાંઠા,કચ્છ,પંચમહાલ , સાબરકાંઠા, સૌરાષ્ટ્રના જામનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતીભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તારીખ 3 સપ્ટેમ્બરથી લઈ 8 સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી
તાજેતરના અપડેટસ મુજબ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી ચિંતાજનક છે. હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નર્મદા, છોટા ઉદેપુરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, ડાંગ,તાપી, ભરૂચ,વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ, આણંદ, ખેડા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના ડેમ ઓવરફ્લો
સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 110 જળાશયો છલોછલ થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ થયો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.
સિઝનમાં ક્યાં કેટલા ટકા વરસ્યો વરસાદ
છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ 17.68 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરગામ તાલુકામાં સિઝનનો સૌથી વધુ 128.68 ઈંચ વરસાદ વરસ્યો છે. તો છ તાલુકાઓમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો 179.21 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 88.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતાવણી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ