ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં રોજ 1200થી વધારે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. એએમસીના નવી ગાઈડલાઈન પ્રમાણે, હવે સોસાયટી, ફ્લેટ અને કોલોનીમાં કોવિડ કો-ઓર્ડિનર રાખવો ફરજિયાત છે તો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનના નિયમો પણ કડક કરવામાં આવી રહ્યા છે. હવે ઇમરજન્સી વગર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર જઈ શકાશે નહીં.


હોમ ક્વોરન્ટાઇનના દર્દીને પણ બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો નિયમ ભંગ કરવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. હવે સોસાયટી ફ્લેટ કોલોનીમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવો ફરજીયાત છે. કોવિડ કો-ઓર્ડિનેટરે તમામ કોવિડ નિયમનું પાલન કરાવાનું રહેશે તેવું એએમસી દ્વારા કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનના રહીશો મેડીકલ ઈમરજન્સી વગર બહાર નીકળી શકાશે નહીં. હોમ કોરોન્ટાઈનમાં રહેનાર લોકો પણ 14 દિવસ મેડિકલ ઈમરજન્સી વગર બહાર નીકળી શકશે નહીં. જો કોવિડ નિયમનો ભંગ થશે તો તેની પર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં કોવિડ કો-ઓર્ડિનેટરની જવાબદારી

- માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ક્વોરન્ટીન સમયગાળા દરમિયાન કોઈ બહાર ન નીકળે તેની તકેદારી રાખવાની રહેશે.
- તમામ લોકોનો કોરોનાનો એન્ટિજન ટેસ્ટ કરાવવાનો રહેશે.
- નમસ્તે અભિવાદન, માસ્ક પહેરવું, દર બે કલાકે સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટનસ જાળવવું અને હેન્ડ સેનેટાઈઝ કરવા.
- મેડિકલ ઇમરજન્સીમાં જ પોલીસ પાસે નોંધણી કરાવી વ્યક્તિ બહાર નીકળી શકશે.
- માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં 14મા દિવસે તે વિસ્તારમાં તમામ લોકોના ટેસ્ટ કરવાના રહેશે અને જો એકપણ પોઝિટિવ ન આવે તો જ કન્ટેનમેન્ટ ઝોનમાંથી ડી-નોટીફાઈડ કરવામાં આવશે.
- આ તમામ જવાબદારીમાં જો કોઈ નિયમ ભંગ થશે તો કો-ઓર્ડિનેટર સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ થશે.

હોમ ક્વોરન્ટીન દર્દી માટે માર્ગદર્શિકા

- હોમ ક્વોરન્ટીન દર્દી કે તેના પરિવારજનો મેડિકલ ઇમરજન્સીમાં પોલીસમાં નોંધ સિવાય ઘરની બહાર નહિ નીકળી શકે.
- ક્વોરન્ટીનનો નિયત સમય પૂર્ણ થયા બાદ જ ઘરમાંથી બહાર નીકળી શકશે.
- ઘરે એન્ટિજન ટેસ્ટ માટે આવતી મેડિકલ ટીમને સહકાર આપવાનો રહેશે.
- નમસ્તે અભિવાદન, માસ્ક પહેરવું, દર બે કલાકે સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટનસ જાળવવું અને હેન્ડ સેનેટાઈઝ વગેરેનું કરવાનું રહેશે.
- જો આ તમામ નિયમોનું પાલન નહીં થાય તો જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.