Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વચેટિયા ભાવસિંહ ઝાલાને ₹36,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા છે. દોઢ વર્ષના પ્રોબેશન ગાળામાં જ લાંચ લેતા પકડાયેલા ક્લાસ-1 અધિકારી સામે ત્વરિત કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આ ગંભીર કાર્યવાહીથી મનપાના અધિકારીઓ અને ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Continues below advertisement

 

Continues below advertisement

Fire NOC મંજૂર કરવા પ્રતિ બિલ્ડિંગ ₹6 હજારની માગણી

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક ફરિયાદીએ શહેરની 6 જુદી-જુદી બિલ્ડિંગોની ફાયર NOC મંજૂરી અર્થે ગુજરાત સરકારના પોર્ટલ પર અરજી કરી હતી. આ NOC મંજૂર કરવાના બદલામાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામના વહીવટદારે પ્રતિ બિલ્ડિંગ ₹6,000 લેખે કુલ 6 બિલ્ડિંગના ₹36,000ની લાંચની માંગણી કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ફાયર સેફ્ટી અંગેની કોઈપણ નાણાકીય લેવડ-દેવડ માટે ભાવસિંહને જ મળવા જણાવાતું હતું.

આ પણ વાંચો....ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

મેમનગરમાં ટ્રેપ ગોઠવી ACBએ વચેટિયા અને અધિકારીને દબોચ્યા

લાંચની આ માંગણી અંગે ફરિયાદીએ વડોદરા શહેર ACBમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે મેમનગરમાં વિજય ચાર રસ્તા પાસે આવેલા યસ એક્વા કોમ્પ્લેક્સ નજીક સફળ ટ્રેપ ગોઠવી હતી. ત્યાં ₹36,000ની લાંચ સ્વીકારતા ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. વચેટિયાની ધરપકડ અને પૂછપરછમાં જરૂરી પુરાવા મળતા જ ACBએ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

AMCના ઇતિહાસમાં પહેલીવાર બહારથી થઈ હતી નિમણૂક

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2024માં મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા પાસ કર્યા બાદ અમિત ડોંગરેની ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર ફાયર વિભાગના આંતરિક સ્ટાફના સભ્યને બદલે બહારથી સીધી ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરાઈ હતી. હાલમાં ACB દ્વારા આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.