વિજય નહેરાએ આજે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું કે, કોરોના સામેની લડત અસરકારક રીતે ચાલી રહી છે અને આ રીતે જ લોકોનો સહકાર મળતો રહ્યો તો મે મહિનાના અંત સુધીમાં કોરોનાના કેસો બંધ થઈ જશે. નહેરાએ જાહેરાત કરી કે, કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં આજે નવા 50 કેસ નોંધાયા છે જ્યારે ત્રણ મહિલા અને બે પુરૂષ સહિત પાંચના મોત થયા છે. આ સાથે શહેરમાં કુલ 1298 દર્દી થયા છે અને મૃત્યુઆંક 43 પર પહોંચ્યો છે.
આજના નવા કેસો દરિયાપુર, ચાંદખેડા, જુહાપુરા, શાહીબાગ, જમાલપુર, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, વસ્ત્રાલ, મેમનગર, નારણપુરા, ઘાટલોડીયા, દાણીલીમડામાં નોંધાયા છે. અત્યાર સુધી મોટા ભાગના કેસો કોટ વિસ્તારમાં નોંધાતા હતા પણ હવે કોટ વિસ્તારની બહાર પણ કેસો નોંધાયા છે. કોટ વિસ્તાર બહાર નારણપુરા, ઘાટલોડીયા, હાથીજણ અને મેમનગર વિસ્તારોમાં કેસો વધ્યા છે.
શહેરમાં શનિવાર અને રવિવારે સળંગ બે દિવસ કોરોનાના 239 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સોમવારે આ કેસની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સોમવારે કુલ 152 પોઝિટિવ કેસ નોંધાયા હતા.