આ ઉદ્યોગ એકમોમાં સાંજે 7થી સવારે 6 સુધી એટલે કે રાત્રિના સમય દરમિયાન કોઇ મહિલા કામદાર કે કર્મચારીને ફરજ માટે બોલાવી શકાશે નહીં. મહિલાઓને દિવસ દરમિયાન જ ફરજ પર બોલાવવાની રહેશે.
ગુજરાત સરકારે જે વિસ્તારોમાં 20 એપ્રિલથી ઉદ્યોગો-એકમો કાર્યરત થવાના છે ત્યાં મહત્તમ 12 કલાકની શિફ્ટ રાખવાની છૂટ આપી છે. હાલમાં કામદારોની અછત છે ત્યારે ઔદ્યોગિક એકમો માટે આ નિર્ણય અત્યંત આશિર્વાદરૂપ સાબિત થશે. આ નિયમમા મહિલાઓને છૂટ અપાઈ છે. મહિલાઓ પાસે 12 કલાકની શિફટ નહી કરી શકાય.
આ 12 કલાકની શિફ્ટમાં કામ કરનારા કામદારોને વધારે પગાર આપવો પડશે. આ કામદારોને હાલમા મળી રહેલા વેતનમાં વધારાના કલાકોના પ્રમાણમાં વધારો આપવાનો રહેશે તેમ ગુજરાત સરકારે જણાવ્યું છે.
આ જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિમાં છૂટછાટ આપીને કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલથી ઉદ્યોગો-એકમો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે પણ આ ઉદ્યોગો-એકમો માત્ર નગરપાલિકા-મહાનગર પાલિકાની હદ સિવાયના બહારના વિસ્તારોમાં જ શરૃ કરી શકાશે.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર ગુજરાતના શ્રમ રોજગાર વિભાગે એવી સ્પષ્ટ સૂચના આપી છે કે, જે વિસ્તારોમાં 20 એપ્રિલથી ઉદ્યોગો-એકમો કાર્યરત થશે મહત્તમ 12 કલાકની શિફ્ટ રાખી શકાશે પણ આ 12 કલાકની શિફ્ટમાં કામ કરનારા કામદારોને વેતનમાં પણ સપ્રમાણ વધારો આપવાનો રહેશે. આ ઉપરાંત કામના 6 કલાક પૂરા થાય ત્યારે શ્રમિક-કર્મચારીને 30 મિનિટનો વિરામ આપવો પડશે.