અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા પ્રમાણમાં ઘટી છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં, તે માટે પગલા ભરવાના શરૂ કર્યા છે. જેના ભાગરૂપે અમદાવાદના એસ.ટી. બસ સ્ટેન્ડ પર આવનારા તમામ લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, એક્સપ્રેસ હાઇવે પર પણ સઘન સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. ત્યારે હવે કોર્પોરેશને વધુ એક મોટો નિર્ણય લીધો છે.


અમદાવાદ મનપાએ હવે કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરવાના શરુ કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ(એએમટીએસ)ના તમામ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરાયા છે. શહેરમાં જાહેર પરિવહન સાથે સંકળાયેલી સેવા હોવાથી કોરોનાના સંક્રમણનું જોખમ વધુ હોય છે.