AMC, Flyover Bridge: અમદાવાદમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજને મંજૂરી મળી ગઇ છે. આ બ્રિજ શહેરના પૉલિટેકનિક કૉલેજથી વસ્ત્રાપુર સુધીના રસ્તાં પર બનશે, આમાં એએમસી દ્વારા કુલ 75 કરોડનો ખર્ચ કરાશે, હમણાં જ આ બ્રિજ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા, આ બ્રિજ 652 મીટર લાંબો અને 17 મીટર પહોળો હશે, જાણો બ્રિજને લગતી વિગતો..
એએમસીએ અમદાવાદમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજને મંજૂરી આપી દીધી છે, આ બ્રિજ શહેરના પૉલિટેકનિક કૉલેજથી વસ્ત્રાપુર સુધીના માર્ગ ઉપર તૈયાર કરાશે. આ બ્રિજ માટે પહેલાથી જ એએમસી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, વર્ષ 2021થી બે વર્ષ બજેટમાં મુકાયા બાદ હવે આ ફ્લાયઓવર બ્રિજને લીલી ઝંડી મળી ગઇ છે. AMC દ્વારા આ ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ બ્રિજની વાત કરીએ તો આના માટે અંદાજિત 75 કરોડના ખર્ચ થશે, આ બ્રિજ 652 મીટર લાંબો અને 17 મીટર પહોળો હશે. ખાસ વાત છે કે, આ વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિને જોતા AMC દ્વારા IIT રામ પાસે આ અંગે કરાવવામાં આવ્યો હતો. નહેરુનગરથી LD કૉલેજ તરફ રાત્રિના 8 થી 9 કલાકના સમય સુધીમાં 2748 વાહન સર્વેમાં નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાયઓવર બ્રિજ શહેરના પાંજરાપોળ બ્રિજ નહેરુનગર, વસ્ત્રાપુર, LD કૉલેજ અને આંબાવાડી એમ ચાર એપ્રોચને જોડતો બ્રિજ બનશે.
એએમસીના કર્મચારીઓની દિવાળી સુધરશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની દિવાળી સુધરી છે. અલગ અલગ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓના માસિક પગારમાં સરેરાશ 5 થી 10 હજારનો વધારો થશે. 1 ઓક્ટોબરથી પગાર વધારો અમલી બનાવવામાં આવશે.
તહેવારની સિઝન ટાણે રાજ્યમાં જીએસટી વિભાગ સક્રિય થયું છે. જેને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા સાવલીમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. સાવલી ખાતે આવેલી રાકેશ ફટાકડાની ઓફિસ ખાતે જીસએટી ટીમ ત્રાટકી છે અને ઓફિસ તેમજ સાવલી ખાતે આવેલ અલગ અલગ ગોડાઉનમાં સર્ચ હાથ ધર્યું છે. દરોડા દરમિયાન હાજર કર્મચારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારી છે. હાલ જીએસટી વિભાગની સર્ચ કાર્યવાહી ચાલુ છે અને તપાસના અંતે મોટી કરચોરી હાથ લાગવાના સંકેતો છે.
ગુજરાત સ્ટેટ જીએસટી અધિકારીઓએ અમદાવાદના 57 સહિત રાજ્યભરમાં 79 મોબાઈલ ફોન શોપ માલિકો પર દરોડા પાડીને તેમના દ્વારા કરવામાં આવેલી જીએસટી ચોરી શોધી કાઢી છે. મોબાઈલ ફોન શોપના સંચાલકો કોઈપણ બિલ વગર જ રોકડ પર મોબાઇલ વેચીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન રૂ. ત્રણ કરોડની વસૂલાત કરવામાં આવી છે. 500 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના બિલ વગરના મોબાઈલ ખરીદ વેચાણ માટે કુખ્યાત મૂર્તિમંત માર્કેટ ઉપરાંત શહેરના ઘણા ઠેકાણે જીએસટી અધિકારીઓ ત્રાટ્યા હતા. તેમની ભેદી તપાસ અંતર્ગત સિનિયર અધિકારીઓને પણ સાચી માહિતી ન આપવામાં આવી હોવાનો ગણગણાટ ડિપાર્ટમેન્ટમાં શરૂ થઈ ગયો છે. સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા તાજેતરમાં જ ભંગાર તેમજ જુદી જુદી બ્યુટી ટ્રીટમેન્ટ આપતી સંસ્થાઓ અને અન્ય કોમોડિટીઝ પર દરોડા પાડીને કરોડોની જીએસટી ચોરી સુધી કાઢી હતી. કરોડ રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવી છે ત્યારે જ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે અમદાવાદ સહિત રાજ્યભરમાં હજારો કરોડના મોબાઈલ વરસે દહાડે વેચાઈ રહ્યા છે. મોબાઈલનું આટલું મોટું માર્કેટ હોવા છતાં મોબાઇલનું વેચાણ કરતા તેમજ મોબાઇલની એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ જેટલું વેચાણ થાય છે તેટલી જીએસટી ભરતા નથી.