Ahmedabad News:અમદાવાદના નારોલમાં આઠ સેકન્ડમાં પતિ-પત્નીને મોત  ભરખી ગયું. નારોલની મટનગલીમાં ટુ વ્હીલર પર જતા દંપતીને  કરંટ લાગ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. પાણીનો નિકાલ ન થતા વાહન બંધ થયાનું  પ્રાથમિક તારણ સામે આવ્યું  છે. પ્રથમ મહિલાને કરંટ લાગતા  હતો તે જમીન પટકાઇ હતી તેમને જોવા જતાં તેમને પતિને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. રોડ પર પાણી ભરેલા હતા અને તેમાં વીજ પોલના લટકતા વાયર પાણીમાં ડૂબેલા હતા. આ ખાડામાંથી એક્ટિવા પસાર થયું અને વીજ કરંટે બંનેની જિંદગીને ખતમ કરી દીધી.

આ ઘટના પરથી સ્પષ્ટ કહી શકાય કે, વીજ વિભાગની બેદરકારીના કારણે દંપતીએ  જીવ  ગુમાવ્યો છે.દંપતીએ અન્ય વાહનચાલકોને પાણીમાં આવતા રોક્યા હતા. આ ઘટનાની જાણ થતા વીજ વિભાગે વીજ પુરવઠો બંધ કર્યો હતો જો કે ત્યાં સુધીમાં તો બંનેના મોત થઇ ગયા હતા. સારવાર મળે તે પહેલા જ દંપતીનું મોત નીપજ્યું હતં.  મૃતક નારોલના રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા હતા. પિતાના ખબર અંતર પૂછવા દંપતી હોસ્પિટલ જતું હતું. પતિ રાજન સિંઘલ અને પત્ની અંકિતા સિંઘલનું મોત થયું છે. એકના એક પુત્રએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. દંપતીના મોતથી પરિવારજનોનો શોકનું મોજુ ફરી વળ્યું છે.

અમદાવાદ કોર્પોરેશનની આ ઘોર બેદરકારીનું જીવતું જાગતુ ઉદાહરણ છે. જ્યાં લોકોની જિંદગી પર બની આવે તો પણ કામગીરીમાં કોઇ સુધાર થતો નથી. કરોડો રૂપિયાનું રોડ રસ્તા લાઇટો માટે બજેટ ફળવાતું હોવા છતાં પણ અમદાવાદમાં મોટાભાગના રસ્તાના આ જ હાલ છે. જ્યારે રસ્તા પર 3થી 4 ફૂટના ખાડા છે. રસ્તો ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે, તે સમજવું મુશ્કેલી થઇ જાય છે. આ ખાડા રિપેર કરવા માટે નિંભર તંત્ર ક્યારેય સમયસર જાગતુ નથી આ કારણે વરસાદમાં પાણી ભરાઇ જાય છે. આટલું ઓછું હોય તેમ હવે તો વીજ વાયર પણ સ્ટ્રીટ લાઇટના  વીજ પોલથી લટકતા જોવા મળે છે એટલે શહેરીજનોના રસ્તા પર મોત માટેની દરેક સરંજામ તૈયાર છે.

અહીં કરોડોના બજેટ પછી પણ અમદાવાદ શહેરની આ સ્થિતિ છે. આ સ્થિતિ માત્ર અમદાવાદના નારોલ વિસ્તારની જ નથી પરંતુ અમદાવાદના 70 ટકાથી વધુ રોડ રસ્તાની આ જ સ્થિતિ છે. જ્યારે ખાડામાં પાણી અને તેમાં વીજપોલથી લટકતા વાયર જોવા મળે છે. હવે અપેક્ષા રાખીએ કે, આ ઘોર બેદરકારીના કારણે 2 લોકોના જીવ ગયા બાદ કદાચ એમએમસીના નિંભર તંત્રની ઊંઘ જાગે, સંવેદન જાગે  અને અમદાવાદના રોડ રસ્તા માટે મળતા કરોડોનું બજેટ સંપૂર્ણ રીતે  ઇમાનદારીથી ઇચ્છાશક્તિ સાથે રોડ રસ્તાના સુધાર માટે વપરાય. પરંતુ અફસોસ કે નિર્દોષ લોકોના જીવ આવી અનેક ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારના વહીવટની ભેટ ચઢે છે પરંતુ આપણે કોઇ પણ ઘટનાથી બોધ પાઠ લેતા નથી અને સામાન્ય લોકો આજ રીતે બે મોત મરતા રહે છે.