Ahmedabad Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી અને બોટાદમાં વરસાદ વરસી શકે છે, સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદની સંભાવના છે.  . હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ રાજ્યમાં છૂટછવાયો વરસાદ પડશે. 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ  સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.  વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની થઇ શકે છે.


આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. પ્રહલાદનગર, સેટેલાઈટ, થલતેજ, અમરાઈવાડી સહિતના વિસ્તારમાં હળવો વરસાદ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.




આજે વહેલી સવારથી ડભોઇ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. જુદા જુદા વિસ્તારોમાં કયાંક અમી છાંટણો તો ક્યાંક ધીમીધારે વરસાદ છે. લાંબા વિરામ બાદ પંથકમાં ફરી વરસાદી માહોલ છવાયો છે.  વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણથી ઠંડક પ્રસરી છે. નગરના ઝારોલા વાગા, જૈનવાગા, નાંદોદી ભાગોળ વિસ્તારમાં વરસાદ છે, જ્યારે તાલુકાના ચનવાળા, ધરમપુરી, સિતપુર,માંગરોળ વિસ્તારમાં પણ વરસાદી માહોલ  છે. વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને જીવન દાન મળે તેવી આશા બંધાઈ  છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાઘોડિયામા વહેલી સવારે વરસાદ પડ્યો. ઘણા દિવસોથી ખેડુતો ચાતક નજરે રાહ જોતા હતા. વાઘોડિયામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસતા ખેડુતોના માથે ચિંતાની લકીર હતી. વહેલી સવારથી વરસાદની વાઘોડિયા પંથકમા વરસાદની શરૂઆત થઈ છે. વરસાદની શરૂઆત થતા નષ્ટ થતો ખેતીપાક ને જીવતદાન મળશે. ઘણા સમયના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીનુ પ્રમાણ ઘટ્યું છે.આ વિસ્તારના  ખેડુતોને ચોથા રાઉન્ડનો વરસાદ સારો વરસે તેવી આશા બંધાઈ છે.







વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોની જળસપાટી ઘટવા લાગી છે. 207 પૈકી હવે 59 જળાશયો જ સંપૂર્ણ ભરાયેલા છે, સૌરાષ્ટ્રના 44, કચ્છના આઠ, તો દક્ષિણ ગુજરાતના ચાર અને મધ્ય ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ છે. 133 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 95 હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 12 જળાશયો વોર્નિંગ પર છે. 73 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. છેલ્લા 20 દિવસથી સામાન્ય વરસાદ વરસતા દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાનની ભીતી છે. જેને લઈ સુરત જિલ્લાના ખેડૂતો ચિંતિત છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી પાણી છોડવાનો સિંચાઈ વિભાગ નિર્ણય લેશે.