અમદાવાદ: શહેરમાં ફરી એકવાર AMTS બસે યુવકનો જીવ લીધો છે. અમદાવાદ હીરાવાડી ખાતે AMTS બસે સાઇકલ સવારને કચડ્યો છે. સાઇકલ સવારનો માથું કચડાતા મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા લોકોએ AMTSની બસમાં તોડફોડ કરી હતી. અકસ્માતની જાણ થતા શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
કંડક્ટરના જણાવ્યા મુજબ સવારે બસ સારંગપુરથી ધાર્મિક વર્ધીમાં બજરંગ આશ્રમ ખાતે ગયેલ હતી. 17:15 કલાકે પ્રવાસીને બજરંગ આશ્રમ ઉતારી સાળંગપુર પરત જતા આશરે 17:25 કલાકે અનિલસ્ટાર્ચ ચાર રસ્તા બસની ડાબીબાજુથી આવતા એક સાયકલ ચાલક બસની ડાબીબાજુ અથડાયા બાદ ડ્રાઈવરે બસ અકસ્માત સ્થળથી દૂર લઈ જઈ બાજુ ઉપર મુકી નાસી ગયેલ છે. કંડક્ટરના જણાવ્યા મુજબ સાયકલ ચાલક આશરે.17/18 વર્ષનો યુવક હતો.
સાળંગપુર વિવાદને લઈ અમદાવાદમાં સાધુ-સંતો થયા એકત્ર
સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંત ચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે. આ દરમિયાન આજે અમદાવાદમાં સાધુ સંતો એકત્ર થયા છે. અમદાવાદના લંબે હનુમાન આશ્રમમાં એકત્રિત થયેલા સાધુએ મોટો નિર્ણય કર્યો છે, જે મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો બહિષ્કાર કરવાનો, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ - સંતોને આમંત્રણ આપવું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ - સંતોનું આમંત્રણ સ્વીકારવું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જવાનું નહીં તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ - સંતો સાથે બેસવું નહીં તેમ નક્કી કરવામાં આવ્યું છે.
મંદિરના મુખ્ય રસ્તા પરના તમામ ગેટ કરવામાં આવ્યા બંધ
સાળંગપુર ભીંત ચિત્રો વિવાદ મામલે મંદિરના મુખ્ય રસ્તા પરના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે. જેને લઈ ભક્તો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. વહેલી સવારથી ભક્તો હેરાન પરેશાન થતાં રોષ જોવા મળી રહ્યો છે. ભક્તોના કહેવા મુજબ, વિવાદ જે હોય તે પરંતુ અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ, હનુમાનજી મહારાજ કોઈના દાસ નથી તે રામના દાસ છે. તાત્કાલિક આ ભીંત ચિત્રો હટાવવા જોઈએ અને ભક્તોને દર્શન માટે જવા દેવા જોઈએ તેવી માંગ છે.
સાળંગપુરના ભીંત ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સનાતમ ધર્મના સાધુ-સંતો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાળંગપુર વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર મંદિરે જઈને વિરોધ પ્રદર્શન કરશે. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, હનુમાનજીની પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો.જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે.
જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુએ કહ્યું કે, સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો સામે આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું. સનાતન સાધુઓ કોઇ પણ વખત સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલ્યા નથી.તમે સનાતન ધર્મની વિરૂદ્ધમાં શા માટે વારંવાર જાવ છો? તમે મર્યાદામાં રહો અમને મર્યાદામાં રહેવા દો. ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજે જણાવ્યું હતું કે, હનુમાનજી આરાધ્ય દેવ છે, હનુમાનજી ન હોય તો સૃષ્ટી ન હોય એટલે એમને પવનતનય કહ્યા છે. હનુમાનજી સ્વામીને પગે લાગે છે હનુમાનજી દાસ થઇને રહે છે. આ ચિત્રો નિંદાને પાત્ર છે. સનાતન તો અનંત કાળથી છે અને હનુમાનજી યુગોથી છે. અમારા આરાધ્ય દેવને નીચા દેખાડવા એ યોગ્ય નથી. મહેરબાની કરીને તમે તમારી લીટી લાંબી કરવા બીજાની લીટી ટુંકી કરવાનો પ્રયત્ન ન કરો.