અમદાવાદ: આજે ગુજરાત યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. કારોબારીમાં હાજર ન રહેનારા હોદ્દેદારોને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે. ૨૦ જિલ્લા અધ્યક્ષ અને ૨૪ પ્રદેશ હોદ્દોદારોને નોટીસ ફટકારવામાં આવી છે. જિલ્લા અધ્યક્ષ પાસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોના નામ મંગાવવામાં આવ્યા છે. ત્રણ કાર્યકરો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા જણાયા જેમને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. જે લોકો સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદ મળી છે તેમની સામે કાર્યવાહી થશે.
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી મનિષ ચૌધરીએ કહ્યું કે, ૨૦ માર્ચથી ૩૧ માર્ચ સુધી યુવા જોડો પર્વ મનાવાશે. બેરોજગારી, પેપરલીક સહિતના મુદ્દાને આવરી લેવાશે અને જનતાની લડાઇ લડવા યુથ કોંગ્રેસ મેદાનમાં ઉતરશે. ૨૫૨ તાલુકા ૧૭૦ નગર પાલિકા ૧૩૦ મનપાના વોર્ડ મળી પપ૦ નવી સમિતિ બનાવાશે. નિષ્ક્રિય રહેલા હોદ્દેદારોને દુર કરવામાં આવશે. ગુજરાત સ્થાપના દિવસના મુદ્દે યુવા સંગમ અમદાવાદમાં થશે.
કોંગ્રેસે ગુજરાતમાં કરેલા કાર્યો અને વિકાસની ઝાંખી રજુ કરાશે. બંદર, ડેમ, મેડીકલ કોલેજ વગેરે જેવા કામોને લોકો સુધી લઇ જવાશે. ૨૧ મે રાજીવ ગાંધીની પુણ્યતિથિએ સુરતમાં તેમના જીવન પ્રદર્શની તૈયાર કરાશે ચાર મહાનગરોમાં યુથ કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક કાર્યક્મ કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન સાથે રચનાત્મક અને નાટ્યાત્મક કાર્યક્મ કરી લોકેને સમજાવાશે.
PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં જનતાને લાવવા-લઈ જવા કેટલી બસ ભાડે લીધી ?
હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના સભ્ય ડો. કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન કર્યો કે, છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના રાજ્યમાં કાર્યકમ માટે આમ જનતાને લાવવા-લઈ જવા માટે કુલ કેટલી બસો ભાડે આપવામાં આવી હતી ? એસટી બસને કેટલું ભાડું આપવામાં આવ્યું છે અને ભાડાની રકમ હજુ કેટલી આપવાની બાકી છે ? એક એસટી બસ દીઠ કિલોમીટર કેટલું ભાડું ચૂક્વ્યુ છે. જેના જવાબમાં જણાવાયું છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના જાહેર કાર્યકમમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રૂપિયા જમા કરાવ્યા છે, જ્યારે હજુ 53 કરોડ 81 લાખ 21 હજાર 895 રૂપિયા રકમ હજુ એસટી વિભાગે સરકાર પાસેથી વસુલવાની બાકી છે.
રાજ્યમાં ૧૪માં નાણાપંચના કામો સત્વરે પૂર્ણ કરાશે: પંચાયત રાજય મંત્રી બચુભાઈ ખાબડ
રાજ્યના પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિકાસ કામોનું પારદર્શી રીતે આયોજન થાય તે માટે કેન્દ્રના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા ઈ-પંચાયત મિશન મોડ હેઠળ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ પર સંપૂર્ણ પારદર્શી રીતે વિકાસના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજે વિધાનસભા ખાતે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતને ફાળવેલ ગ્રાન્ટના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ખાબડે ઉમેર્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં ૧૪માં નાણાપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૯૮.૨૫ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૧૯.૧૦ લાખની ગ્રાન્ટ છેલ્લા બે વર્ષમાં ફાળવવામાં આવી છે.જેમાંથી વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૯૮.૪૪. લાખ અને ૨૦૨૨- ૨૩માં ૯૨.૭૨ લાખની ગ્રાન્ટ વપરાઈ છે. જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૧૯૯.૮૪ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૨૬.૩૮ લાખની ગ્રાન્ટ વણ વપરાયેલ છે.વણ વપરાયેલ ગ્રાંટનું મહત્વનું કારણ દેશમાં આવેલી વૈશ્વિક મહામારી કોરોના, ચૂંટણીની આચારસંહિતાના પરિણામે વણ વપરાઈ છે. આ કામો હવે સત્વરે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે.