ISKCON Bridge Accident: ઈ્સ્કોન બ્રિજ પર ફરી એક વખત અકસ્માત થયો છે. મળતી માહિતી મુબજ 4 ગાડીઓ એકબીજા સાથે ટકરાતા આ અકસ્માત થયો છે. આ ઘટના બાદ બ્રિજ પર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. આજે ઇસ્કોન બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની ત્રીજી ઘટના છે.


ગઈકાલે મોડી રાત્રે  ઇસ્કોન બ્રિજ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇસ્કોન બ્રિજ પર મોડીરાત્રે થાર વાહન અને ડમ્પર વચ્ચે અથડામણ થઇ હતી. અકસ્માત જોવા માટે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એક હાઇસ્પીડ જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા.


આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે, જેઓ થાર અને ડમ્પર અકસ્માત બાદ કાર્યવાહી માટે સ્થળ પર પહોંચ્યા હતા.


બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિએ સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાયઓવર પર મહિન્દ્રા થરે એક ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે એક ઝડપી કાર ત્યાંથી પસાર થઈ અને ભીડને કચડી નાખી.


આ અકસ્માતમાં કાર ચાલક પણ ઘાયલ થયો છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડબલ અકસ્માત બાદ મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે સમગ્ર ઇસ્કોન બ્રિજ બંધ કરાવી દીધો હતો.


અમદાવાદના DCP ટ્રાફિક, નીતાબેન હરગોવનભાઈએ જણાવ્યું કે, મોડી રાત્રે બનેલી ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 10-11 લોકો ઘાયલ થયા છે. કાર ચાલક હોસ્પિટલમાં છે અને અમે ડોક્ટરની સલાહ મુજબ તેની ધરપકડ કરીશું. આ કેસમાં તમામ મૃતકોને ન્યાય મળે તે માટે અમે પ્રયાસ કરીશું.


સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કૃપા પટેલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે હોસ્પિટલમાં 12 લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 9ના મોત થયા હતા. તેમણે કહ્યું કે, રાત્રે લગભગ 1:30 વાગ્યાથી લોકો આવવા લાગ્યા હતા. અગાઉ 4 દર્દી અને 3 મૃતદેહો આવ્યા હતા, અડધા કલાકમાં એક દર્દીનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કુલ 9 મૃતદેહો આવ્યા છે. દરેકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.