અમદાવાદઃ શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા એકઠા થયેલા લોકોને પૂર ઝડપે આવી રહેલી જગુઆર કારે કચડ્યા હતા. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડનો સમાવેશ થાય છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે.








આ અકસ્માતમાં મોતને ભેટેલા મોટાભાગના લોકો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના હતા. મોટાભાગના મૃતકો પીજીમાં રહેતા હતા. વાસ્તવમાં કાર-ડમ્પરનો અકસ્માત જોવા ટોળુ એકઠુ થયું હતુ. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનો ખુલાસો થયો હતો. અકસ્માત સર્જનાર કારમાં બે યુવક અને એક યુવતી હતા.






મૃતકોની ઓળખ નિરવ – ચાંદલોડિયા, અક્ષય ચાવડા – બોટાદ, રોનક વિહલપરા – બોટાદ, ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ), કૃણાલ કોડિયા – બોટાદ, અમન કચ્છી –સુરેન્દ્રનગર, અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગર તરીકે થઇ હતી.


મળતી જાણકારી અનુસાર, શહેર ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. પરંતુ તે સમયે 180ની સ્પીડમાં આવી રહેલી જગુઆર કારે લોકોને કચડ્યા હતા. જેમાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત હતા. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર જગુઆર ચાલકને સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે જગુઆર કારમાં બે યુવકો અને એક યુવતી પણ હતા. જેઓને પણ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ ટોળાએ જગુઆર કારને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક લોકો તેને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.