અમદાવાદ: ગુજરાતની વધુ એક મોટી અને મહત્વની યુનિવર્સિટીમાં મહિલા કુલપતિની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની નિમણૂંક કરવામાં આવી છે. રાજુલ ગજ્જર હાલ એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યતર છે.  રાજુલ ગજ્જર આ અગાઉ નવ મહિના સુધી કાર્યકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ પહેલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે  નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી હતી.




કોણ છે રાજુલ ગજ્જર
તમને જણાવી દઈએ કે, ડો. રાજુલ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ એ જ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપતા હતા. તો બીજી તરફ ગવર્નમેન્ટના આ સેક્ટરને લગતા પ્રોજેક્ટમાં પણ તેઓ મદદ કરતા હતા. જે બાદ તેઓ કમિશન ઓફ ટેક્નિકલ એજ્યુકેશનમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે જોડાયાં હતા. જેમાં સ્ટેટ લેવલની એન્જિનિયરિંગ કોલેજો સાથે કામ કરવાનું બનતું હતું. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે. છેલ્લા 38 વર્ષથી તેઓ એન્જિનિયરિંગ વ્યવસાયમાં યોગદાન આપી રહ્યાં છે.


આમ ગુજરાત યુનિવર્સિટીને પહેલા મહિલા કુલપતિ 


ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની શોધ આખરે પુરી થઈ. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે જુન મહિનામાં ડો.નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી હતી. નીરજા ગુપ્તા હાલ મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત હતા. નીરજા ગુપ્તા અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટડી અબ્રોડના ડિરેક્ટર અને ભવન્સ કોલેજના આચાર્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં નીરજા ગુપ્તાએ સાંચી બૌદ્ધ-ભારતીય નોલેજ સ્ટડીઝ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ સંભાળ્યું હતું.સાંચી યુનિવર્સિટીમાં જોડાતા પહેલા નીરજા ગુપ્તા આરએ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન,ખાનપુર, અમદાવાદ ખાતે પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહી હતી.


કોણ છે વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા


માહિતી માટે જણાવી દઈએ કે, નીરજા ગુપ્તા 2006 થી 2012 સુધી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહી ચૂક્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂમાં પણ જ્ઞાન ધરાવે છે. આ ઉપરાંત, તેઓ પ્રાકૃત જેવી પ્રાચીન ભારતીય ભાષામાં નિપુણતા ધરાવે છે. અંગ્રેજીની સાથે ડો. ગુપ્તા રશિયન ભાષામાં પણ નિપુણ છે અને શૈક્ષણિક કાર્યક્રમો માટે 42 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. ડૉ.ગુપ્તા 16 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે પણ સંકળાયેલા છે.