અમદાવાદ: વર્તમાન સમયે ગુજરાતમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલેલી જોવા મળી રહી છે. આજે ઘણા કાર્યકરો અને નેતાઓએ કેસરિયા ધારણ કર્યો છે. તો ગુજરાતના રાજકારણ ત્યારે ભૂકંપ આવી ગયો જ્યારે સમાચાર વહેતા થયા કે, કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ રાજીનામું આપી દીધું છે.


 






જો કે, બપોર બાદ અર્જુન મોઢવાડીયાએ જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતનું ખંડન કર્યું. તેમણે કહ્યું કે,  મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.


જો કે, વાત આટલાથી જ ન અટકી અને આ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું આપ નેતા ગોપાલ ઈટાલિયાએ. ગોપાલ ઈટાલિયાએ તકનો લાભ લઈ અર્જુન મોઢવાડીને જાહેરમાં આપમાં જોડાવાની ઓફર આપી દીધી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આદરણીય અર્જુનભાઈ.. તમારા ખુલાસા વગર થઈ રહેલી વાતો અંગે ખુલાસો કરતા તમે કોંગ્રેસમાં છો એવો ખુલાસો કર્યો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું હતું. અને જો ભવિષ્યમાં કોંગ્રેસમાં ન રહેવાના હોવ તો મારી વિનંતી છે કે, તમારી જેવા સક્ષમ અને ભણેલ-ગણેલ નેતાઓ આમ આદમી પાર્ટીમાં ખુબ શોભા આપે. જય સીયારામ.


આમ હવે ગોપાલ ઈયાલીયાએ કોંગ્રેસ નેતાને ઓફર આપતા રાજકારણ ગરમાયું છે. જો કે, હાલમાં તો અર્જુન મોઢવાડીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે, તેઓ કોંગ્રેસ છોડવાના નથી. એટલે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. જોકે, આવનારા સમયમાં કેવી સ્થિતિ નિર્માણ પામે છે તે જોવું રહ્યું. કારણ કે, રાજકારણમાં સ્થિતિ ક્યારે બદલાઈ જાય તે કહી ન શકાય.


મોઢવાડીયાએ કરી સ્પષ્ટતા


કોંગ્રેસના ધારાસભ્યોને લઈ છેલ્લા કેટલાક દિવસથી અટકળો તેજ છે અને કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે તેવી વાતો વહેતી થઈ છે. આજ પ્રકારની ચર્ચા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સિનિયર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને લઈને પણ શરૂ થઈ. અહેવાલો એવા આવવા લાગ્યા કે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય છે. પરંતુ આ તમામ અહેવાલોને અર્જુન મોઢવાડિયાએ પાયાવિહોણા ગણાવ્યા છે. એટલું જ નહીં પોતે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસના જ ચૂંટાયેલા ધારાસભ્ય છે તેવી સ્પષ્ટતા અર્જુનભાઈ મોઢવાડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. સાથે જે પણ અહેવાલો પ્રસારિત થયા છે તે તેમનો ખુલાસો લીધા સિવાય વહેતા થયા હોવાની પણ તેમને સ્પષ્ટતા કરી છે.