અમદાવાદ: 6 મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મતનગણતરી ચાલી રહી છે. ત્યારે સૌથી મોટા સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે. અસદ્દુદીન ઔવેસીની પાર્ટી AIMIMની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઔવેસીની પાર્ટીએ અમદાવાદ મનપામાં સાત બેઠકો પર જીત મેળવી છે. જમાલપુર અને મકતમપુરામાં 7 બેઠકો પર ઔવેસીની પાર્ટી AIMIM એ જીત મેળવી છે.


ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 6 વોર્ડની ચાર-ચાર મળીને 24 બેઠકો પર જીત મેળવી છે જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીત્યા છે. આ રીતે સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવી છે. એઆઈએમઆઈએ સાત બેઠકો અમદાવાદમાં મેળવી છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીએ જામનગર મનપામાં 3 બેઠકો મેળવી છે.

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. તમામ મહાનગરપાલિકામાં ભાજપની જીત નિશ્ચિત છે. કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.