અમદાવાદ : આવતીકાલે સોમવારે અમેરિકાના રાષ્ટ્રીપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદ આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદીની મુલાકાત અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ એક પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી. સોમવારે 11:30 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવશે. બપોરે 3.30 વાગ્યે ટ્રમ્પ આગ્રા જવા માટે રવાના થશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી સાબરમતી આશ્રમ જશે. બાદમાં રોડ શો કરી સીધા મોટેરા સ્ટેડિયમ પહોંચશે.




પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને મોદીનો અમદાવાદમાં જે કાર્યક્રમ છે તેમાં આજે સાબરમતી આશ્રમનો ઉમેરો કરવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સુરક્ષા માટે એરપોર્ટ, રોડ શો, સાબરમતી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ટ્રમ્પ અને મોદીની સુરક્ષાને લઈને 33 DCP,75 ACP,300 PI,1 હજાર PSI સહિત 12 હજાર જવાનો તૈનાત રહેશે.

આ ઉપરાંત 15 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ, 7 મોરચા સ્ક્વૉડ, 7 QRT ટીમ હાજર રહેશે. 700 જેટલા હેન્ડ મેટલ ડિટેક્ટર, 300 જેટલા દોરડા, ધાબા પોઇન્ટ પર 140 દૂરબીન, 130 DFMDનો ઉપયોગ કરવામાં આવશે.