અમદાવાદ: આસામ જેલમાંથી છૂટ્યા બાદ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા છે. તેમણે અમદાવાદ એરપોર્ટ મીડિયા સાથે વાત કરી હતી. જ્યાં તેમણે ફરી પુષ્પા સ્ટાઈલમાં કહ્યું, સાલા પુષ્પા ઝુકેગા નહીં. તેમણે વધુંમાં કહ્યું કે, આસામ પોલીસ દ્વારા ગુજરાતની સાડા છ કરોડ જનતાનું અપમાન કરવામાં આવ્યું છે. ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા જનપ્રતિનીધિને અપહરણ કરતા હોય તે રીતે અપમાન કરવાની ભાવનાથી ઉંચકીને જે રીતે કિડનેપ કરતા હોય તે રીતે લઈ ગયા તે ગુજરાતની સાડા છ કરોડની જનતાનું અપમાન છે.


 



અમદાવાદ એરપોર્ટ પર જીગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ બે કેસમાં જીગ્નેશ મેવાણીને 9 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા. આસામ પોલીસે 20 એપ્રિલ મોડી રાત્રે જીગ્નેશ મેવાણીની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. ગઈ કાલે જીગ્નેશ મેવાણી દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હવે તેઓ આજે અમદાવાદ પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ ખાતે સભાને સંબોધન કરશે.


આસામ પોલીસે કરેલા કેસ અંગે જિગ્નેશ મેવાણીએ કહ્યું - "આ 56 ઈંચની કાયરતા છે, લાલ કિલ્લા ઉપર ગોડસે મુર્દાબાદ બોલી બતાવો"
Jignesh Mevani PC: આસામ પોલીસ દ્વારા ધકપકડ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગઈકાલે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્માં મેવાણીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતાં કહ્યું કે, "મને બરબાદ કરવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું હતું. તે (આસામ પોલીસ) મને સાથે લઈ ગયા પણ કેસ વિશે કંઈ પણ જણાવ્યું નહોતું. હું એક વકીલ પણ છું પરંતુ મારા ઉપર કઈ કલમો લગાવામાં આવી તેની મને જાણકારી પણ નહોતી અપાઈ. ત્યાં સુધી કે મને મારા પરિવાર સાથે પણ મને વાતચીત નહોતી કરવા દીધી.


56 ઈંચની કાયરતાઃ
જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતાં કહ્યું કે, જ્યારે મને જામીન મળી ગયા ત્યાર બાદ તરત જ એક મહિલા દ્વારા મારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. આ 56 ઈંચની કાયરતા છે. આસામ કોર્ટે આ FIRને ખોટી ગણાવી હતી અને પોલીસ ઉપર ગંભીર સવાલ કર્યા હતા. 19 તારીખે મારી સામે ફરિયાદ દાખલ કરાઈ અને તરત જ આસામ પોલીસ 2500 કિમી દુરથી મને ધરપકડ કરવા માટે ગુજરાત પહોંચી ગઈ. મારી ધરપકડ કરતી વખતે આતંકવાદીની ધરપકડ કરાય એવો માહોલ બનાવામાં આવ્યો. મારી અને મારી ટીમના કોમ્પ્યુટર, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા મને શંકા છે કે તેમાં જાસુસી સોફ્ટવેર નાખી દેવામાં આવ્યા છે.


PMOમાં બેઠેલા ગોડસેના ભક્તોએ FIR કરાવીઃ
જિગ્નેશ મેવાણીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતાં કહ્યું કે, "પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેઠેલા નાથૂરામ ગોડસેના ભક્તોએ તેમના ઉપર ખોટી એફઆઈઆર કરાવી છે. જો ગોડસે ભક્ત કહેવા અંગે આપત્તિ હતી તો લાલ કિલ્લા ઉપર ઉભા રહીને ગોડસે મુર્દાબાદનો નારો લગાવીને બતાવો. ગુજરાતમમાં ચૂંટણી થવાની છે એટલા માટે પરેશાન કરવામાં આવી રહ્યા છે. પહેલાં રોહિત વેમુલાને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો અને હવે મને ખતમ કરવા માંગે છે. દલિત નેતાઓને પીએમ મોદી હજમ નથી કરી શકતા."