ગાંધીનગર: ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, રાજ્યના મહત્વના મંદિરો પર વિશેષ એટીએમ મશીન મુકવામાં આવ્યા છે, જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે. તે સિવાય રાજ્યના સાત મુખ્ય એસ.ટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે, જેમની મદદથી 2 મહિનામાં 9500થી વધુ બોટલનું રિસાઇક્લિંગ કરવામાં આવ્યું છે.
14 એટીએમ મશીન, 60 દિવસમાં 5 હજારથી વધુ થેલીઓનું વિતરણ
અત્યારે રાજ્યના મહત્વના મંદિરો જેમ કે અંબાજી , સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, તથા ઇસ્કોન મંદિર પર 14 મશીન મુકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ પહેલ અંગે સારો પ્રદિસાદ મળી રહ્યો છે અને 60 દિવસમાં 5 હજારથી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલને વધુ આગળ લઇ જવા માટે આગામી એક મહિનામાં અમુલ પાર્લરના 250 આઉટલેટ પર આ પ્રકારના મશીન મુકવામાં આવશે. આ બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર.બી.બારડે જણાવ્યું હતું કે “રાજ્યમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ થાય અને કાપડની થેલીનો ઉપયોગ વધુ થાય તે હેતુથી ખરીદીના સ્થળ પર જ એટીએમ મશીન લગાડવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે”.
બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર રિવર્સ વેન્ડીંગ મશીન
આ જ રીતે રાજ્યના સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ભરુચ તથા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિકની બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. આ મશીનની મદદથી સ્થળ પર જ પ્લાસ્ટિકની બોટલને ક્રશ કરીને તેનું રિસાઇક્લિંગ થાય છે. 5 જૂન 2024ના વિશ્વ પર્યાવરણ દિવસે આ મશીનો કાર્યરત કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધી 9500થી વધુ પ્લાસ્ટિકની બોટલનું રિસાઇક્લિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો...
Heavy Rain: આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, વાંચો લેટેસ્ટ આગાહી