Ahmedabad: ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. ATS એ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ત્રણેય શખ્સો અમદાવાદમાં કોઈ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા માટે આવ્યા હતા. ઝડપાયેલા ત્રણેય શંકાસ્પદો મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને તેઓ એક નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા હતા. ગુજરાત ATS દ્વારા હાલ આ ત્રણેય શખ્સોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી તેમના ઈરાદાઓ અને મોડ્યુલની અન્ય વિગતો બહાર આવી શકે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગુજરાત ATS ને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને તેઓ ગુજરાતનાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. આ બાતમીના આધારે જ ગુજરાત ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવાનું શરુ કર્યું હતું, જે બાદ આ ત્રણેય લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે
ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે,ધરપકડ કરવામાં આવેલા આ આતંકીઓ હથિયારોની આપ-લે કરવા માટે ગુજરાત આવતા હતા, અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી. એટલું જ નહીં ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓ બે અલગ-અલગ મોડ્યુલનો ભાગ હોવાનું સામે આવ્યું છે. ATSની રડારમાં રહેલા આતંકીઓ દેશના કયા ચોક્કસ સ્થળો પર હુમલો કરવાના હતા તે વિશેની વિસ્તારપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત એટીએસ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
થોડા દિવસ પહેલા દિલ્હીમાંથી પણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે 24 ઓક્ટોબરના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIS સાથે જોડાયેલા એક ખતરનાક મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. સ્પેશિયલ સેલે બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતા, જેઓ ભીડભાડવાળા વિસ્તારો અને બજારોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ બંને આરોપીઓ આત્મઘાતી હુમલાની તાલીમ લઈ રહ્યા હતા, જે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે તેમ હતા.