અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવવા શુક્રવારે અમદાવાદની મુલાકાત લીધી હતી. મોદીએ  અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.


મોદીએ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો એ પહેલાં અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેબબ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા પણ મોદીની સાથે સતત બીજા એક મહાનુભાવ રહ્યા હતા. મોદીની લગોલગા ચાલતા આ મહાનુભાવ સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ છે. કાર્તિકેય સારાભાઈ સાબરમતી આશ્રમમાં સતત મોદીની સાથે રહ્યા હતા અને તેમને કાર્યક્રમ માટે દોરવાની ફરજ બજાવી હતી. મહાન વિજ્ઞાની સ્વ. વિક્રમ સારાભાઈના પુત્ર કાર્કિતેય સારાભાઈએ આ પહેલાં પણ મોદીની આશ્રમની મુલાકાત સમયે તેમની સાથે રહ્યા હતા.


 સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે જિલ્લામથકો સહિત વિવિધ 75 સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને આઝાદીની લડતનું કેન્દ્રબિંદુ રહેલા અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે.