અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કારણે હાલત ખરાબ છે અમને તેમાં પણ અમદાવાદમાં તો સ્થિતી ખરાબ છે ત્યારે સરકાર અમદાવાદમાં સ્થિતી સુધારવા ફાંફાં મારી રહી છે. આ માહોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કમિશ્નર તરીકે ફરી વિજય નહેરાને જવાબદારી આપવા ગુજરાતવના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા માંગ કરાઈ છે.


ધંધુકાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આ માંગ કરી છે. ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્રમાં લખ્યું છે કે, વર્તમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર સંક્રમણ રોકવામાં નિષ્ફળ નિવડ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કમિશ્નર તરીકે નેહરાને લાવવા જોઈએ. વિજય નેહરા અસરકારક પગલાં લઈ શકે છે અને વિજય નેહરા સાચા આંકડા પ્રસિધ્ધ કરતા હતા તેવો દાવો કરીને ગોહિલે લખ્યું છે કે, નેહરા સાચા આંકડા રજૂ કરતા હતા તેથી સરકારની પોલ ખૂલી ગઈ હતી અને સરકારની છબી બગડતા નેહરાની બદલી કરી હતી.


અમદાવાદમાં શું છે કોરોનાનું ચિત્ર


અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 4,258 કેસ સામે આવ્યા છે અને 814 દર્દી સાજા થયા છે. જ્યારે 23 દર્દીના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,06,465 થયો છે. જ્યારે 79,395 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,644 થયો છે.


ગુજરાતમાં કોરોનાની રોકેટ ગતિ


સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.  રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15  ટકા છે.