અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા થોડી ઘટી હોવા છતાં શહેરનાં શહેરના પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને તંત્રએ રવિવારે વધુ સાત વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવાની જાહેરાત કરી છે. અગાાઉ 37 વિસ્તારો સાથે નવા સાત વિસ્તારો ઉમેરાતા અમદાવાદમાં હવે કુલ 44 વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ આવરી લેવાયા છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ચાંદલોડિયા તળાવ પાસે આવેલી ગજરાજ સોસાયટીમાં કોરોનાના કેસ વધતા સોસાયટીમાં આવેલા 80 મકાન અને 340 લોકોની વસ્તીને આવરી લેવામાં આવી છે. ઉપરાંત મેમનગર સુભાષ ચોકમાં આવેલા મારૂતિ કોંપલેક્ષમાં પણ કેસ નોંધાતા 15 મકાન અને 76 લોકોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મુકાયા છે.



ઉપરાંત સરખેજમાં આવેલા જુના રોહીતવાસના 160 મકાનો અને 526 લોકોની વસ્તી, પશ્ચિમ ઝોનમાં લાવણ્ય સોસાયટી પાસે આવેલા કૃપા ફલેટમાં કેસ વધતા 48 મકાનો માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મુકાયા છે.

આ જ પ્રમાણે નારણપુરામાં આવેલા કર્ણાવતી ફલેટમાં કેસ વધતા કુલ 504 મકાન અને 1740 લોકોની વસ્તી, સાબરમતીમાં ઠાકોરવાસ અને ડાહ્યાભાઈની ચાલીમાં સંક્રમણ વધતા 175 મકાન અને 500 લોકોની વસ્તી માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મુકાયા છે. ચાંદખેડામાં તેજેન્દ્રનગર સોસાયટીમાં કેસ વધતા 270 મકાન અને 1080 લોકોની વસ્તીને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મુકાઈ છે.