અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જાહેર કરેલા 'અનલોક-1' અંતર્ગત ગુજરાતમાં આજથી ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓ માટે ખૂલી ગયાં છે. જો કે ગુજરાતમાં બહુ મોટો અનુયાયી વર્ગ ધરાવતા બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) હેઠળનાં તમામ સ્વામિનારાયણ મંદિરો 15 જૂન સુધી ખોલવામાં આવશે નહીં. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ)ના વડા મહંત સ્વામી છે અને ગાંધીનગરના અક્ષરધામ સહિતનાં મંદિરો આ સંસ્થા ચલાવે છે.


બીજી તરફ શ્રી સ્વામિનારાયણ વડતાલ સંસ્થાને જણાવ્યું કે, વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરો 17 જૂનથી ખોલાશે. વડતાલ ગાદી સંસ્થાન હેઠળ સૌરાષ્ટ્રના સાળંગપુર સહિતનાં મોટાં મમંદિરો આવે છે. આ તમામ મંદિરો 17 જૂનથી ખોલવાનો નિર્ણય કરાયો છે. આ સંસ્થા ઓનલાઇન પધ્ધતિથી પ્રવેશ આપવાની વ્યવસ્થા કરી રહી છે અને એક સાથે ફક્ત 20 વ્યક્તિઓને પ્રવેશ અગાઉથી નક્કી કર્યા મુજબ અપાશે.