Ahmedabad News: ખાદ્ય એકમોમાં હાઇજિન નામે કેટલી ઉદાસીનતા વર્તવમાં આવે છે. તેનું એક જીવતું જાગતુ ઉદાહરણ જોવા મળ્યું, અમદાવાદમાં મહિલાને સમોસાની ચટણીની ખરીદી પર ખૂબ જ કડવો અનુભવ થયો, સમોસાની ચટણીમાંથી મૃત ગરોળી નીકળતાં મહિલા ચોંકી ગઇ અને તેમણે આ મામલે આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. વેજલપુરમાં રહેતી આ ગૃહિણીએ રામદેવ ચોળાફળી નામના એકમમાંથી સમોસાની ચટણી મંગાવી હતી. આ ચટણીમાંથી મૃત ગરોળી નીકળતા મહિલા રોષે ભરાઇ હતી અને આ અંગે મહિલા ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી છે.
આ પહેલા અમદાવાદના સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલ કલાસાગર મોલમાં આવેલ ડોમીનોઝ પિત્ઝામાં ઓર્ડર કરેલા પિત્ઝામાંથી જીવડુ નીકળ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ બ્રાન્ચને સીલ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટ્સના ફૂડમાંથી વંદો નીકળ્યો હતો.
આ પહેલા વંદે ભારત ટ્રેનમાં પીરસાતી દાળમાં વંદો નીકળ્યો હતો.શિરડીથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોએ રાત્રે ટ્રેનની પેન્ટ્રીમાં જ ડિનરનો ઓર્ડર આપ્યો હતો. ડિનરમાં દહીં ખરાબ નીકળ્યું હતું અને દાળમાં વંદો નીકળ્યો હતો. આ પ્રકારનો કસ્ટમર દ્વારા ફરિયાદ કરાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ એક ઘટના નથી. આવી અનેક ઘટના છાશવારે બનતી રહે છે. ક્યારેક મસાલા ઢોંસાના સાંભરમાંથી ક્રોકરોચ તો ક્યારેક મૃત ઉંદરના બચ્ચા મળી આવી છે તો ક્યારેક આઇસક્રિમમાંથી માનવદેવના અવશેષો, તો ક્યારેક વેફર્સના પેકેટમાંથી મૃત દેડકા પણ નીકળે છે. ખાદ્ય એકમોમાં સ્વચ્છતા કેટલી જળવાય છે. આ તેના નમૂના છે. હાઇજિન પ્રત્યેની આ એકમોની ઉદાસિનતા નિર્દોષ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં છે. આ ગંભીર બેદરકારીના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવે છે પરંતુ અફસોસની વાત એ છે કે, હાઇજિનના માપદંડો જાળવવા માટે ક્યારેય કોઇ નકકર પહલા નથી લેવાતા અને ગ્રાહકો આ ઘોર બેદરકારીનો ભોગ બનતા રહે છે.