Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિકના નિયમો તોડનારા સાવધાન થઇ જાય. હવે એએમસીના કેમેરાથી ઇ-મેમો ફટકારવામાં આવશે. ઈ-ચલણના કડક અમલ માટે નવુ સોફ્ટવેર તૈયાર કરાશે. અમદાવાદ મનપાએ આ માટે ટેન્ડર બહાર પાડ્યું છે.


હવે અમદાવાદ કોર્પોરેશનના કેમેરાથી ઈ-મેમો જનરેટ થશે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈશ્યૂ કરવામાં આવતા ઈ-ચલણના કડક અમલ માટે નવું સોફ્ટવેર તૈયાર કરવા AMCએ ટેન્ડર બહાર પાડ્યું છે. રેડ લાઈટ જમ્પ કરવી, હેલમેટ કે સીટ બેલ્ટ ન બાંધવો, બીઆરટીએસ લેનમાં ઘૂસી જવા સહિત ટ્રાફિકના જુદા જુદા 11 ગુના પકડવા હાલના કેમેરામાં નવું સોફ્ટવેર ઈન્સ્ટોલ થશે અને તેના પરથી ઈ-મેમો જનરેટ કરાશે.


આ ઉપરાંત કાર પર બ્લેક ફિલ્મ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના મેમો મેન્યુઅલી જનરેટ કરાશે. AMCએ લગાવેલા સીસીટીવીથી હાલ રેડ લાઈટ જમ્પ કરવાના ગુના બદલ ઈ-ચલણ જનરેટ થાય છે. હાલની સિસ્ટમ 6 વર્ષ જૂની હોવાથી નવી સિસ્ટમ તૈયાર કરાશે. નવા સોફ્ટવેરથી તૈયાર થનારી સિસ્ટમમાં ચોરીના વાહનને પણ ટ્રેક કરાશે અને આવું વાહન કોઈ જંકશન પરથી પસાર થશે કે તરત પોલીસને એલર્ટ કરાશે. નવી સિસ્ટમ વાહન પર ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટ પણ પકડી પાડશે. આ સાથે કોઈ એક ચોક્કસ જંકશન પરથી દિવસમાં કેટલા વાહન પસાર થયા તેનો ડેટા મેળવી શકાશે.                         


આ ડેટાને આધારે AMC ટ્રાફિકની સમસ્યા ઉકેલવાનું આયોજન કરી શકશે. ઈ-મેમો ઉપરાંત આ સિસ્ટમ રસ્તે રઝળતાં ઢોર, કચરાના ઢગલા, રોડ પર ખાડા કે પાણી ભરાયા હશે તો તેનો ફોટો રેકોર્ડ કરી જે તે વિભાગને મોકલશે. ટ્રાફિકના અધિકારીઓ માટે ઈ-ચલણ એપ્લિકેશન બનાવવાની રહેશે. દારૂ પી વાહન ચલાવતા કોઈ ઝડપાય તો વાહનનો ફોટો કે વીડિયો એપ્લિકેશન પર અપલોડ થશે અને ઈ-મેમો જનરેટ કરાશે. નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા અને વાહનના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવાના ગુનામાં સ્થળ પર જ એપ્લિકેશનથી ઈ-મેમો જનરેટ કરાશે.