અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બેઠકો યોજવા લાગ્યા છે. હવે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા
ભરતસિંહ સોલંકીએ નવું સૂત્ર આપ્યું છે. ચૂંટણી આવતા ભરતસિંહ સોલંકીએ બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવીશ સૂત્ર આપ્યું છે.  જો કે આ પહેલીવાર નથી જ્યારે ભરતસિંહ સૂત્ર આપ્યું હોય. આ પહેલા 2017ની ચૂંટણીમાં પણ ભરતસિંહ સોલંકીએ સૂત્ર આપ્યું હતું. ત્યારે તેમણે નવસર્જન ગુજરાતનું સૂત્ર આપ્યું હતું. ભરતસિંહ સોલંકીએ ડિનર ડિપ્લોમસી દ્વારા આ સૂત્ર આપ્યું છે.  
કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ માટે ભરતસિંહ સોલંકીએ જમણવાર યોજ્યો હતો.


ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પદને લઈને પાર્ટીએ લીધો મોટો નિર્ણય


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે દરેક પાર્ટીમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. દરેક પાર્ટીઓએ બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે. હવે આ કડીમાં ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ કમર કસી છે. કોંગ્રેસે આ સમયે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગાયત્રીબા વાઘેલા જ રહેશે. આ પહેલા એવી અટકળો હતી કે ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બદલાઈ શકે છે. જેથી હવે નવા પ્રમુખ નિમવાની વાત ઉપર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.


કૉંગ્રેસ તૂટવાના દાવાને ગુજરાત પ્રભારી રઘુ શર્માએ ફગાવ્યો


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.  રધુ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે.  ડ્રગ્સ તસ્કરીનો ગુજરાત અડ્ડો બની ગયું છે. ગુજરાતમાં રિમોટ કન્ટ્રોલ સરકાર છે, ગુજરાત ભાજપના અધ્યક્ષ પાસે રિમોટ છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં ભાજપ સરકાર ચલાવી રહી છે. રધુ શર્મા ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો તૂટવાના દાવાને પણ નકાર્યો છે તેમણે કહ્યું ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો એકજૂથ છે. રધુ શર્માએ વધુમાં કહ્યું કે,  પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ આમ આદમી પાર્ટી હતું પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય નથી.  રધુ શર્માએ કહ્યું ગુજરાતમાં સરકારે 4 વર્ષમાં કંઈ નથી કર્યું જેના કારણે આખી સરકાર બદલી દેવામાં આવી છે.


કૉંગ્રેસ છોડનારા નેતાઓને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ચીમકી 


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાચતીતમાં કહ્યું કે, ગુજરાતમાં જ્યારે ચૂંટણીઓ આવવાની છે ત્યારે 6 એપ્રિલથી ગાંધી સંદેશ યાત્રા શરુ થઈ રહી છે ત્યારે એ યાત્રામાં આવવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે. ચૂંટણીને લઈ ચર્ચા અને સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈ રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ સાથે ગુજરાત પ્રભારી રધુ શર્મા અને અમે ચર્ચા કરી છે.