Air India Flight Crashed: ભરૂચની રહેવાસી ભૂમિ ચૌહાણ એરપોર્ટ 10 મિનિટ મોડા પહોંચતા તેનો જીવ બચ્યો હતો. વાસ્તવમાં ભૂમિ ચૌહાણને અમદાવાદની લંડન જતી એર ઈન્ડિયાની એ જ ફ્લાઇટમાં જવાનું હતું જે ક્રેશ થઇ હતી. ગુરુવાર, 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરવાની એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, ટેકઓફ કર્યા પછી થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા, પરંતુ ભૂમિ ચૌહાણનું નસીબ તેને સાથ આપતું હતું. માત્ર 10 મિનિટના વિલંબને કારણે તેણી આ ફ્લાઇટ ચૂકી ગઈ અને આ વિલંબ તેના જીવનનું સૌથી મોટું 'વરદાન' બની ગયું હતું.

ટ્રાફિકને કારણે ફ્લાઇટ ચૂકી ગઈ

ભૂમિ ચૌહાણ, જે લંડનમાં રહેતા તેના પતિ પાસે જઈ રહી હતી. ગુરુવારે સવારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવા નીકળી હતી પરંતુ અમદાવાદ શહેરના ભારે ટ્રાફિકે તેનો રસ્તો રોકી દીધો હતો. તે ચેક-ઇન ગેટ પર માત્ર 10 મિનિટ મોડી પહોંચી હતી જેના કારણે તેને બોડિંગની મંજૂરી આપવામાં આવી ન હતી. ભૂમિએ કહ્યું હતું કે, "મેં ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ એરપોર્ટ સ્ટાફે કહ્યું હતું કે વિલંબને કારણે મને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હું થોડી નિરાશ થઈને પાછી ફરી હતી."

'મારું શરીર ધ્રૂજતું હતું'

જ્યારે ભૂમિને આ અકસ્માતના સમાચાર મળ્યા ત્યારે તે ડરી ગઇ હતી. તેણે કહ્યું કે 'ગણપતિ બાપ્પાએ તેને બચાવી.' સમાચાર એજન્સી ANI ને આપેલા ઇન્ટરવ્યૂમાં ભૂમિએ કહ્યું હતું કે, "હું ચેક-ઇન ગેટ પર 10 મિનિટ મોડી પહોંચી, પરંતુ તેમણે મને જવા દીધી નહીં, જેના કારણે મારે પાછા ફરવું પડ્યું. શહેરમાં ટ્રાફિકને કારણે અમને મોડું થયું. જ્યારે મને ખબર પડી કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે, ત્યારે હું સંપૂર્ણપણે ચોંકી ગઈ હતી. હું મારી દેવી માતાનો આભાર માનું છું કે હું બચી ગઈ, પરંતુ આ ઘટના ખૂબ જ ભયાનક છે."મને લાગે છે કે તે ગણપતિ બાપ્પાની કૃપા હતી કે હું તે ફ્લાઇટમાં નહોતી. હું ભગવાનનો આભાર માનું છું."

ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ વિમાન ક્રેશ થયું

ફ્લાઇટ AI-171 બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી અને થોડીવાર પછી લગભગ 1:50 વાગ્યે તે બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં ક્રેશ થયું, જ્યાં તે સમયે 100થી વધુ વિદ્યાર્થીઓ લંચ કરી રહ્યા હતા. વિમાનની સંપૂર્ણ ઇંધણ ટાંકી ભરી હોવાથી ક્રેશ પછી ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર વિશ્વાસ કુમાર રમેશ, જે સીટ 11A પર બેઠો હતો તેનો જીવ બચ્યો હતો. હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.