Asaram Ashram land issue: અમદાવાદ શહેરમાં આવેલ વિવાદાસ્પદ આસારામ આશ્રમ સહિત કુલ ત્રણ સંસ્થાઓને ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં શરત ભંગ થયો હોવાથી સરકારે આ જમીનો પરત લેવા માટે હુકમ કર્યો છે. આ નિર્ણયથી આ સંસ્થાઓને મોટો ફટકો પડ્યો છે. મોટેરામાં આવેલા આસારામ આશ્રમની વિશાળ જમીન સહિત કુલ ૧.૨૭ લાખ ચોરસ મીટરથી વધુ સરકારી જમીન સરકાર હસ્તક પરત લેવાશે.

આ મામલો અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક દરમિયાન સામે આવ્યો હતો. આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ ચર્ચા દરમિયાન, સરકારી જમીનોના શરત ભંગ અંગે પણ વાતચીત થઈ હતી.

અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર હિતેશ ઝનકાટે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદના આશારામ આશ્રમ (મોટેરા), સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સંઘ - આ ત્રણ સંસ્થાઓને સરકારે જે જમીન ફાળવી હતી, તેમાં શરત ભંગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા તે જમીનો પરત લેવા માટે હુકમ કરવામાં આવેલ છે.

ડેપ્યુટી કલેક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જે જમીનો પરત લેવાશે તેમાં આશારામ આશ્રમની ૩૩,૯૮૦ ચોરસ મીટર જમીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતીય સેવા સંઘની ૮૦,૯૪૦ ચોરસ મીટર અને સદાશિવ પ્રજ્ઞા મંડળની ૧૨,૨૦૭ ચોરસ મીટર જેટલી જમીન પણ પરત લેવાશે. આમ, કુલ મળીને ૧,૨૭,૧૨૭ ચોરસ મીટર જેટલી સરકારી જમીન સરકાર હસ્તક પરત આવશે.

ડેપ્યુટી કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જમીનમાં શરત ભંગ કરવા બદલ આ સંસ્થાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. તેમને યોગ્ય રજૂઆત કરવા અને ખુલાસા કરવાની તક પણ આપવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ગત ૦૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ આ જમીનોનો કબજો પરત સરકારને સોંપવા માટેનો આખરી હુકમ જારી કરવામાં આવેલ છે.

સરકારી જમીનોની ફાળવણી ચોક્કસ હેતુ અને શરતો સાથે કરવામાં આવતી હોય છે અને જો તેમાં શરત ભંગ થાય તો સરકાર જમીન પરત લઈ શકે છે. આસારામ આશ્રમ જેવી વિવાદાસ્પદ સંસ્થા પાસેથી જમીન પરત લેવાના સરકારી નિર્ણયના કારણે આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. સરકારના આ કડક પગલાથી ભવિષ્યમાં સરકારી જમીનોના ઉપયોગમાં પારદર્શિતા અને નિયમોનું પાલન સુનિશ્ચિત થશે તેવી અપેક્ષા છે.