measles cases: અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી ઓરીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે એએમસી એલર્ટ જોવા મળી રહી છે. AMCએ તાત્કાલિક શહેર, જિલ્લા, મ્યુનિસિપલ શાળાઓને તાકીદ કરી છે કે બાળકોમાં જો ઓરી રોગના લક્ષણ દેખાય તો તેને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે મોકલી તાત્કાલિક રજા આપી દો. સાથે જ વાલીઓને અપીલ કરી છે કે જે બાળકોને ઓરી થયા છે તેઓ જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ના મોકલે.




 


બે મહિનામાં 250 જેટલા ઓરીના કેસ નોંધાતા એએમસી એલર્ટ થઈ ગયું છે. ઓરીના કેસો વધવાના પગલે અમદાવાદ શહેર જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષણ અધિકારીઓને ઓરી રોગના લક્ષણોની ઓળખ અને માર્ગદર્શિકા સાથેનો પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે જે બાળકોમાં જો ઓરી રોગના લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક ધોરણે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં તેની સારવાર માટે મોકલી આપવા અને બાળકને તાત્કાલિક રજા આપવાની રહેશે. જ્યાં સુધી બાળક માંદગીમાંથી સાજો થઈ અને ન આવે ત્યાં સુધી સ્કૂલે ના મોકલવા વાલીને જાણ કરવાની રહેશે.


ઓરી રોગ એક અત્યંત ચેપી રોગ છે. જે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે અને શરીર પર લાલ ફોલ્લી થઈ જાય છે. તેથી આવા કોઈ પણ લક્ષણ બાળકને દેખાય તો તાત્કાલિક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા અર્બન હેલ્થ સેન્ટર ઉપર જાણ કરવાની રહેશે. ઓરી રોગ ઝડપથી ફેલાતો રોગ છે જેથી બાળકોમાં આ રોગ ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને અનુસરવા સૂચના આપવામાં આવી છે.


ઓરી રોગના લક્ષણો



  • 104 ડિગ્રી સુધી તાવ

  • ખાંસી

  • શરદી

  • લાલ આંખો અથવા આંખોમાં વારંવાર પાણી આવવું


​શરૂઆતી લક્ષણોથી બચાવ અને ઇલાજ



  • મોંઢામાં બેથી ત્રણ દિવસની અંદર નાના-નાના સફેદ ડાઘ વિકસિત થાય છે.

  • 3થી 5 દિવસની અંદર શરીર પર લાલ-સપાટ દાણા જોવા મળે છે.

  • ઓરીના દાણા બાળકની ગરદન, ચહેરા, ધડ, હાથ, પગ અને તળિયા પર દેખાતા હોય છે.

  • તેનાથી બચવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે.

  • ઓરીથી બચાવ માટે બાળકોમાં ઓરીની વેક્સિનના 2 શોટ્સ લગાવવામાં આવે છે.


​ઓરી થયા બાદ શું કરશો?



  • આરામ કરવા દો

  • સંક્રમિત બાળકની આસપાસ અન્ય બાળકોને ના જવા દો

  • પાણી અને જ્યૂસ આપો

  • ભીના કોટનથી બાળકનું શરીર સાફ કરો

  • ડોક્ટરની સલાહ બાદ તાવની દવા આપો

  • તમારી પોતાની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો

  • બાળકને અડકતા પહેલાં અને બાદમાં હાથ યોગ્ય રીતે સાફ કરો