Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકોને ગરમીથી રાહત મળી તો બીજી તરફ લાંબા સમય બાદ વરસાદ પડતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.


 



ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી થઈ છે. વાવડી, વેગનપુર, ડોક્ટરના મુવાડા ,અંબાલી ,વેજલપુર, પોપટપુરા ,છગનપુરા, સહિતનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને છુટકારો મળ્યો છે. આ ઉપરાંત  ધરતીપુત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી છે.


વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી છે. સાવલીનાં ગોઠડા, સામતપુરા, રસુલપુર, શેરપુરા, જાવલા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. 


ગીર સોમનાથમાં વરસાદ


વેરાવળમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દિવસભર ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.


રાજકોટમાં વરસાદી માહોલ


રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટના મવડી વિસ્તાર,ગોંડલ રોડ, ઢેબર રોડ,માધાપર ચોકડી,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે.


દ્વારકામાં વરસાદ


કલ્યાણપુર તાલુકાનાનાં કલ્યાણ પુર નાવડ્રા. ભોગાત હરીપર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં અડધો કલાકથી સતત વરસાદ પડ્યો હતો. અનેક ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.


પોરબંદરના બરડા પંથકમાં મેઘરાજાનું આગમન આગમન થયું છે. બરડા પંથકના અડવાણા, સોઢાણા, ભેટકડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં  ઠંડક પ્રસરી છે.


દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ


દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદ,લીમડી, સિંગવડ. સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ નોંધાયો છે. દિવસ પર ગરમી બાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે.


જામજોધપુરમાં વરસાદ


જામજોધપુર પંથકમાં વાતાવરણ પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. જામજોધપુરના સીદસર ગામે આવેલ ઉમિયા માતાજી મંદિરે ભાદરવી પૂનમના 11 કુંડી હવનનું આયોજન હોવાથી મંડપ ઉભો કરવામાં આવ્યો હતો. જે ભારે પવનને કારણે ધરાશાયી થયો છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.