અમદાવાદ: ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ સોંગ મુદ્દે થયેલા દાવામાં કોર્મિશયલ કોર્ટે કિંજલ દવેને રાહત આપી આપી છે. કર્મિશયલ કોર્ટમાં દાવો ચલાવવા માટે જે ન્યૂનતમ વેલ્યુએશન નિશ્ચિત કરવામાં આવ્યું છે તે મુજબ આ વિવાદીત સોંગનું વેલ્યુએશન કરવામાં આવ્યું ન હોવાથી આ કોર્ટની હદ ન લાગતી હોવાની કિંજલ દવેની રજૂઆત ગ્રાહ્ય રાખી છે.

ઉલ્લેખનીય છે કે, નીચલી કોર્ટે કિંજલને ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીત ન ગાવા આદેશ કર્યો હતો. જેની સામે તે હાઈકોર્ટમાં ગઈ હતી. જેમાં હાઈકોર્ટે કોર્મિશયલ કોર્ટના આદેશની સામે કિંજલ દવેની અપીલ ગ્રાહ્ય રાખી આ ગીત પર સ્ટેના મામલે 15 દિવસમાં બંને પક્ષોને સાંભળીને કાયદા મુજબ નિર્ણય કરવા નિર્દેશ આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કીંગ તરીકે જાણીતા યુવકે દાવો કર્યો હતો કે, ચાર-ચાર બંગડીવાળી ગીત તેણે લખ્યું અને ગાયું પણ છે. જેનો વીડિયો યૂટ્યૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો અને ત્યારબાદ ગીતમાં નહીંવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું હતું. યુવકે આ મામલે કોર્મિશયલ કોર્ટમાં કોપીરાઈટનો કેસ કર્યો હતો.

સુનાવણી દરમિયાન કિંજલ દવે તરફથી એક અરજી આપવામાં આવી હતી કે આ કોર્ટમાં દાવો કરવાનો કોઈ જ હક્ક નથી. આ કોર્ટનું જ્યુરિડીક્શન લાગે જ નહીં. આ ઉપરાંત સામાવાળાએ એક કરોડ રૂપિયાના દાવો કર્યો છે તેની કોઈ જ ગણતરી દાવામાં રજૂ કરવામાં આવી નથી. જેથી કોર્ટે આ દાવો પરત કરી દેવો જોઈએ. ત્યારબાદ કોર્ટે દાવો પરત કરી દેવા નિર્દેશ આપ્યો છે.