અમદાવાદ: અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેરના બહેરામપુરા જમાલપુર વિસ્તારમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા અને બેકાર ફરિયાદી જેમ્સભાઈ વાલજીભાઈ પરમાર રહે. પીરબાઇ ધોબીની ચાલી, જમાલપુર ચાર રસ્તા, બહેરામપુરા, અમદાવાદ દ્વારા બાળકિશોર મોહિત ઉર્ફે મોન્ટુ પ્રહલાદભાઈ રાઠોડ (ઓડ) ઉવ. 17 ઘરેથી ક્યાંક જતા રહેતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થવા અંગેની જાણ કરવામાં આવતા, કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા આરોપી વિરુદ્ધ સગીર બાળકના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
અમદાવાદ શહેર કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ ગોહિલ, એસ.એસ. સોલંકી, સ્ટાફના સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવતા આ બાળ કિશોર ભાવનગર ખાતેથી મળી આવ્યો હતો.
આ બાળકની પૂછપરછ કરવામાં આવતા પોતાની મરજીથી જતો રહ્યો હોવાની કબૂલાત કરતા તારીખ 16.12.2024 ના રોજ તેના વાલીને સોંપવામાં આવ્યો હતો. બાળકને પોતાના વાલીને સોંપ્યા બાદ બીજા જ દિવસે ફરીથી આ બાળક ઘરેથી નીકળી જતા ફરી વાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ફરીથી રાજકોટ ખાતેથી શોધી ફરીવાર બાળકને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. આમ, બબ્બે વાર બાળક ઘરેથી નીકળી જતા કાગડાપીઠ પોલીસ ટીમ દ્વારા બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
બબ્બે વાર ઘરેથી કહ્યા વગર બાળક ઘરેથી નીકળી જવા છતાં કાગડાપીઠ પોલીસ ટીમ દ્વારા સહિષ્ણુતા દાખવી શોધી કાઢેલ બાળકની કાગડાપીઠ PI શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછપરછ કરતા આ એક ગરીબ છોકરો હોઈ જેના માતા ગુજરી ગયા છે અને પિતાને કેન્સર છે, દાદા બે આંખથી જોઈ શકતા નથી. પરિવારની આવી પરિસ્થિતિના કારણે છોકરો માનસિક રીતે એટલો બધો ડિસ્ટર્બ છે કે વારંવાર ઘરેથી ભાગી જાય છે. બાળકની વાત સાંભળી કાગડાપીઠ પોલીસ દ્વારા વધુ સહિષ્ણુતા દાખવી કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI શક્તિસિંહ ગોહિલ તથા સ્ટાફ દ્વારા બાળકના ઘરે જઈ તેના પિતા તથા દાદાને મળી બે મહિનાનું રાશન આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જરૂર પડે ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન આવી જવા જાણ કરવામાં આવતા બાળકના દાદા તથા પિતા ભાવવિભોર થઈ ગયા હતા અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી પોતાના દીકરાનું ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈનીનાં માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ દ્વારા બે-બે વાર ઘરેથી નીકળી ગયેલા બાળકને શોધી કુટુંબીજનો સાથે મિલન કરાવી પરિવારજનો જેવી લાગણી દર્શાવી, બે માસના રાશનની વ્યવસ્થા કરી આપી હતી. જરૂરી સેવા કાર્ય કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસે સાર્થક કર્યું હતું.