Elections 2024: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી ચારેય બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ,મહેસાણા,નવસારી અને રાજકોટ બેઠક માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનિય છે કે, રાજકોટ બેઠક હાલમાં હેડલાઈનમાં છે. પરશોત્તમ રુપાલા નિવેદન બાદ સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર ટકેલી છે.
કોંગ્રેસે જાહેર કર્યા લોકસભાની બાકીની ચારેય બેઠકના ઉમેદવાર
- રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીની ટક્કર
- અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલનો જંગ
- નવસારી બેઠક પર સી.આર.પાટીલ સામે નૈષધ દેસાઈ લડશે ચૂંટણી
- મહેસાણામાં ભાજપના હરિભાઈ સામે કોંગ્રેસના રામજી ઠાકોર મેદાને
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે હિંમતસિંહ પટેલની નામની જાહેરાત કરવામાં આવી છે. હિંમતસિંહ પટેલ નામની જાહેરાત બાદ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે, પક્ષને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અમદાવાદ શહેરમાં મેયર તરીકે કોર્પોરેટર તરીકે અને ધારાસભ્ય તરીકે સેવા આપી છે જ્યારે જરૂર પડ્યે લોકોની સાથે હંમેશા રહ્યો છું. માત્ર ચૂંટણી જ નહિ પણ 365 દિવસ કાર્યલય શરૂ હોય છે. મારો નિર્ણય પક્ષે કરવાનો હતો. પક્ષે વાત કરી કે પક્ષને તમારી જરૂર છે. પક્ષે આદેશ કર્યો એટલે એ શિરોમાન્ય હોય. ચૂંટણી માટેના સંકેતો મળી ચૂક્યા હતા. એટલે જ માનસિક રીતે, ફિઝિકલ અને રાજકીય રીતે તૈયાર રહેવું પડે.
કંગના રનૌતની સામે વિક્રમાદિત્ય સિંહ લડશે ચૂંટણી
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શનિવારે (13 એપ્રિલ) બીજી ઉમેદવારોની યાદી બહાર પાડી. કોંગ્રેસે ચંદીગઢથી મનીષ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કંગના રનૌતની સામે વિક્રમાદિત્ય સિંહને હિમાચલની મંડી લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ વિનોદ સુલતાનપુરીને સિમલાથી અને પરેશ ધાનાણીને રાજકોટથી ટિકિટ મળી છે.