અમદાવાદ:  અમદાવાદમાં દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા માટે દાણીલીમડાના મહિલા કોર્પોરેટર જમના વેગડાનો મહિલા તાંત્રિક સાથે વાતચીત કરતો ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયો ક્લિપમાં કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે.  કોર્પોરેટર જમના વેગડા અને મહિલા તાંત્રિક વચ્ચેનો આ ઓડિયો ક્લિપ હોવાની ચર્ચા બાદ આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષે ગંભીર નોંધ લીધી છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેટર જમના વેગડાને અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કર્યા છે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોર્પોરેટરને પત્ર લખીને જાણકારી આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, બહેન જમનાબેન વેગડા, તમે અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલા કોર્પોરટર છો. હમણાં ટીવી માધ્યમમાં આપના નામ સાથે તાંત્રિક કારસ્તાન અંગેની વાતો સતત ચાલી રહી છે. ક્યારેક કોઈ વ્યક્તિને પોતાની ધારણા મુજબ અસંતોષ જેવું લાગે પરંતુ તેને આધારે પક્ષની શિસ્ત રેખા ઓળંગી જાય તેવું વર્તન ચલાવી લઈ શકાય નહી.




આપને ગમે તેટલો અસંતોષ હોય તો પણ તાંત્રિક માર્ગે જવું તે તો તદન અઘટિત ગણાય. આપને કદાચ લાગે છે કે આ મેં નથી કર્યું? તો પછી જે ચેનલે આપના અંગે આવું કર્યું તેની સામે પગલાં કેમ નથી ભરતાં? આ પરીસ્થિતિ બતાવે છે કે આપના દ્વારા જ આવું અણછાજતું કૃત્ય થયું છે. જેના લીધે કોંગ્રેસની ખુબ જ ટીકા સમાજમાં થઈ છે અને પક્ષની પ્રતિષ્ઠાને હાની પહોંચી છે. 


આ અગાઉ પણ આપને મીડિયા સમક્ષ વાતચીત કરવા બદલ નોટીસ આપવામાં આવેલ છે, છતાં આપના દ્વારા આવું ગેરશિસ્તભર્યું વર્તન ચાલુ રાખવામાં આવ્યું હોવાથી કોંગ્રેસને આવું લાંછન લગાડવા બદલ આપને અચોક્કસ મુદત માટે કોંગેસ પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે.


અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણની નિમણુંક કરવામાં આવતો ખૂબ જ મોટો વિવાદ થયો હતો. ઘણા કોર્પોરેટરોએ રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદ મનપાના 10 કોર્પોરેટરો વિરોધમાં હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ વચ્ચે દાણીલીમડાના યુવા કોર્પોરેટર શહેઝાદખાન પઠાણની નિમણુંક કરી દીધી હતી. વિપક્ષના નેતાની નિમણુંક બાદ પણ હજી કેટલાક કોર્પોરેટર અસંતુષ્ટ છે. એવામાં મહિલા કોર્પોરેટર દ્વારા મહિલા તાંત્રિક સાથે વાતચીત કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. વાયરલ ઓડિયો ક્લિપમાં શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે.