અમદાવાદઃ અમદાવાદના બહેરામપુરાના કાઉંસિલર બદરૂદ્દીન શેખે કૉંગ્રેસ વિરુદ્ધ બગાવત કરતા પાર્ટીમાં તમામ પદેથી રાજીનામું આપ્યું છે. તેમની સાથે શહેર કૉંગ્રેસના 15 હોદ્દેદારોએ પણ રાજીનામું આપ્યું હતું. ચાર દાયકા પક્ષ સાથે જોડાયેલા અમદાવાદ કૉંગ્રેસના બદ્દરૂદીન શેખે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. તેમની સાથે તેમના સમર્થકો અને કોગ્રેસના કેટલાક હોદ્દેદારોએ પણ રાજીનામું આપ્યું છે. બહેરામપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારને ટિકિટ ન અપાતા બદ્દરૂદીન શેખ નારાજ હતા. જેને જ લઈને આજે બદ્દરૂદીન શેખે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોગ્રેસના નેતાઓની અણઆવડત અને અન્યાય નીતિના કારણે કૉંગ્રેસનું ધોવાણ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો.


બદરુદ્દીનના મતે આયાતી ઉમેદવાર હોવાના કારણે વોર્ડની પેટાચૂંટણી હારી જવાની આશંકા છે. આ અંગે બદરુદ્દીન શેખે પ્રેસ  કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું કે, આ પેટાચૂંટણી માટે 17 જેટલા બાયોડેટા મંગાવાયા હતા. ઉમેદવાર નક્કી કરાયા છે તે કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી છે.