Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે તેવો દાવો કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીજીના ભારત છોડો નારાના 80 વર્ષ બાદ કોંગ્રેસ ભારત જોડો યાત્રા લઈ નીકળી છે. આર્થિક વિસંગતતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીકરણ સામે ભારત જોડો યાત્રા કોંગ્રેસે કરી હોવાનું જયરામ રમેશે જણાવ્યું હતું. કોંગ્રેસના ભારત જોડો યાત્રાના 17મા દિવસે સિનિયર લીડર જયરામ રમેશ ગુજરાત પહોંચ્યા છે. 


યાત્રા વિશે વાતચીત કરતા કહ્યું કે, કોંગ્રેસ માટે યાત્રા સંજીવની સાબિત થશે, ગાંધીજીએ 80 વર્ષ પહેલા ભારત છોડોનો નારો આપ્યો હતો અને હવે કોંગ્રેસ 'ભારત જોડો યાત્રા' લઈને નીકળ્યું છે. ત્યારે ભારત છોડોમાં ના જોડાયેલ લોકો આજે ભારત જોડો વિશે અપ્રચાર કરી રહ્યા છે. રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય ના યોજાઇ હોય એટલી લાંબી યાત્રા લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે ભાજપમાં તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે. 


કન્યાકુમારીથી કશ્મીર સુધી રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા નીકળી છે, જે 17માં દિવસે 340 કિલોમીટરનું અંતર કાપી આગળ વધી રહી છે.. સાડા પાંચ મહિનામાં આ યાત્રા 3570 કિમીનું અંતર કાપનાર છે ત્યારે યાત્રા વિશે અનેક દુપ્રચાર કરાઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓના દુપ્રચાર વચ્ચે યાત્રાને લઈ જાગરૂકતા લાવવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ અમદાવાદ પહોંચ્યા છે. 


તેમણે યાત્રા અંગે વાતચીત કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રામાં રોજ સવારે 6 થી 11 સુધી 5000 જેટલા યાત્રીઓ જોડાઈ રહ્યા છે જ્યારે સાંજે રોજ યાત્રામાં 30 હજાર કરતાં પણ વધારે લોકો જોડાઈ એને સમર્થન આપી રહ્યા છે. 80 વર્ષ પહેલા ગાંધીજીએ અંગ્રેજો સામે લડતા 'ભારત છોડો' નો નારો આપ્યો હતો. હવે 80 વર્ષ બાદ કોંગ્રેસે 'ભારત જોડો યાત્રા' શરૂ કરી છે. એ સમયે જે લોકો અંગ્રેજોને સાથ આપતા હતા અને ભારત છોડોને સમર્થન નહોતું આપ્યું એ લોકો આજે ભારત જોડો યાત્રા વિશે અપ્રચાર કરી રહ્યા છે.


ભારત જોડો યાત્રાનું મહત્વ સમજાવતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કોંગ્રેસ ઉદેપુર ખાતેની ચિંતન સીબીરમાં ભારત જોડો યાત્રા નક્કી કરાઈ હતી. જે 2024ના લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે સંજીવની બની રહેશે. કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાથી તેઓ કોંગ્રેસ સાથે જોડાશે. આ રાજકીય બાબતો હોવા ઉપરાંત શા માટે ભારત જોડો યાત્રા એ અંગે વાતચીત કરતા જયરામ રમેશે જણાવ્યું કે ભારતમાં આર્થિક વિસંગતતાને કારણે દેશ તૂટી રહ્યો છે. આર્થિક સમાનતા આવશે તો જ દેશ જોડાશે. તો દેશને આર્થિક સમાનતા પર લાવવા, બીજી કે આજકાલ દેશમાં ધાર્મિક, આર્થિક, સામાજિક, પ્રાદેશિક ધ્રુવીકરણ વધી રહ્યું છે. લોકોને તોડવા નહીં પરંતુ જોડવા માટે આ યાત્રા મહત્વની છે. જ્યારે અંતિમ કારણમાં રાજકીય કેન્દ્રીકરણ જણાવવામાં આવ્યું.


ભારત જોડો યાત્રા ગુજરાતમાં કેમ નહીં તે બાબતે જવાબ આપતા જયરામ રમેશે કહ્યું કે, ભારત જોડો યાત્રા ગુજરાતની આજુબાજુના રાજ્યો માંથી પસાર થાય છે પરંતુ ગુજરાતમાંથી પસાર નથી થઈ રહી. ભાજપે પણ આ સંદર્ભે આક્ષેપો કર્યા હતા. જયરામ રમેશે સ્પષ્ટતા કરી કે દક્ષિણથી ઉત્તર સીધો રસ્તો કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવ્યો. અનેક રૂટ જોવાયા એમાં આ એકમાત્ર રૂટ એવો હતો કે જે સંપૂર્ણ રીતના પદયાત્રાના રૂપમાં હોય. અન્ય રૂટમાં ક્યાંક રેલવે કે હોળીનો ઉપયોગ કરવો પડે એમ હતો. આ સિવાય કંઈપણ કરીએ અમે 90 દિવસ પહેલા ગુજરાત આવી શકીએ એમ નહોતા. અને એ સમયગાળામાં ચૂંટણી આવી ગઈ હોત. ગુજરાત કોંગ્રેસનું સંગઠન ભાજપ સામે લડવામાં વ્યક્ત હોય એ સમયે યાત્રા ગુજરાત લાવવા નહોતા માંગતા. પરંતુ યાત્રા વચ્ચે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે જરૂર આવશે એમ જયરામ રમેશે જણાવ્યું. 


કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંગે જયરામ રમેશે કહ્યું કે, આગામી સમયે કોંગ્રેસમાં સંગઠન ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે જયરામ રમેશે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે. અશોક ગેહલોત તેમને મનાવવા માટે યાત્રામાં આવ્યા હતા. રાહુલજી અડગ રહેતા અશોક ગેહલોત સ્પષ્ટતા કરી કે તેઓ ઉમેદવાર છે. ભારતમાં કોંગ્રેસ એકમાત્ર પાર્ટી છે કે જેમાં અધ્યક્ષની પણ ચૂંટણી થાય છે. જો કે 125 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માત્ર 4 વાર જ કરવી પડી છે. બાકી કોંગ્રેસ સહમતીમાં માને છે.