GPSC પરીક્ષામાં કથિત અન્યાય થયાના વિવાદમાં પ્રદેશ કૉંગ્રેસ પણ મેદાને આવી છે. કૉંગ્રેસે આ મામલે જીપીએસસીની ઓફિસને તાળુ મારવાની જાહેરાત કરી હતી. એક, જૂલાઇએ કૉંગ્રેસ ગાંધીનગરમાં મોટો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજશે. એટલુ જ નહીં જરૂર પડશે તો જીપીએસસીને તાળુ મારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. SC-ST અને OBC સમુદાયના વિદ્યાર્થીઓને થયેલા અન્યાય મુદ્દે પ્રદેશ કૉંગ્રેસ નેતાઓ અને સામાજિક આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના કૉંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. GPSC પરીક્ષામાં વધુ માર્ક્સ હોવા છતા ઈન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ભરતસિંહ સોલંકીએ કહ્યુ હતું કે મૌખિક પરીક્ષામાં મેરીટવાળા વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય તો એ ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે. ન્યાય પાલિકા અને અન્ય માધ્યમોને આ વિષય અંગે જાગૃત કરવાનો અમારો આશય છે. તો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આરોપ લગાવ્યા હતા કે ચોક્કસ કેટેગરીના લોકોને ફાયદો કરાવવાનું ષડયંત્ર કરાયુ છે. આદિવાસી ઓબીસી અને SC-ST સમાજના એકલવ્યના અંગૂઠા કાપવાનું ષડયંત્ર છે. બીજી તરફ વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં અમિત ચાવડાએ આયોગની વિશ્વસનિયતા ઓછી થઈ રહ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં સુનિયોજિત કાવતરા હેઠળ મૌખિક પરીક્ષામાં વધુ માર્ક આપીને ચોક્કસ કેટેગરીના લોકોને ફાયદો કરાવવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે. ગુજરાતના આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના એકલવ્યના અંગૂઠા કાપવાનું ષડયંત્ર છે. આવા વિદ્યાર્થીઓને લેખિતમાં સારા માર્ક્સ છે છતાય મૌખિક પરીક્ષામાં એમને ઓછા ગુણ આપવાનું ષડ્યંત્ર છે .બંધારણીય માધ્યમથી અમે અમારો અવાજ લોકો સુધી પહોંચાડીશું.
તો આ તરફ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ એ નિવેદન આપ્યું કે સરકાર ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માંગે છે એના પર વિચાર કરવો પડે એવી સ્થિતિ છે. શિક્ષણ અને આરોગ્યનું બજારીકરણ કરીને એસસી, એસટી, અને ઓબીસી સમાજને તેનાથી દૂર રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 80 ટકા વસ્તી ધરાવતા સમાજને અન્યાય એ કેવી રીતે ચાલે? અમે આજે સમિતિઓ બનાવવાનો નિર્ણય કર્યો છે જેમાં ૨ દાયકાના આંકડાઓ અને ગોટાળાઓ સામે લાવીશું. જીપીએસસીના ચેરમેન બદલવા એટલું જ નહીં પણ આખી સિસ્ટમમાં જાતિવાદ અંગે મુદ્દો ચર્ચાયો છે.