અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પછી રૂપાણી સરકારમાં ફેરફારની ચર્ચાઓની વચ્ચે હવે વિપક્ષ કોંગ્રેસમાં પણ ચૂંટણી પછી હલચલ શરૂ થઈ શકે છે. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતે અમરેલી લોકસભા બેઠક ઉપર ઉમેદવારી કરી છે. જો એમની અપેક્ષા મુજબ પરિણામ આવ્યું અને જીત્યા તો વિધાનસભામાં નવા વિપક્ષના નેતા પસંદ કરવા પડશે.



આવી સંભાવનાઓ અંગે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી રાઉન્ડ પૂરું થયા બાદ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવશે. તેમજ લોકસભા ચૂંટણીમાં મતદાનની સમીક્ષા કરશે.એટલું જ નહીં, લોકસભાના તમામ ઉમેદવારો સાથે પણ બેઠક કરશે.



ગુજરાત આવનાર રાજીવ સાતવ ધારાસભ્યોને પણ મળશે અને ચુંટણીમાં કોઈ ધારાસભ્ય કે આગેવાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે કે કેમ એ અંગે સમીક્ષા કરાશે. આ સાથે વિપક્ષના નેતાના સંભવિત અનુગામી અંગે પણ ધારાસભ્યો ના મન જાણશે.