અમદાવાદ:  અમદાવાદમાં નરોડા ભાજપ સંગઠનમાં ખેંચતાણ જોવા મળી રહી છે.  ભાજપના કાઉન્સિલર વૈશાલી જોશીએ શહેર સંગઠન સમક્ષ ફરિયાદ કરી છે.  સાથી કાઉન્સિલરો અને વોર્ડ સ્તરેથી હેરાનગતિ હોવાની એક મહિના અગાઉ ફરિયાદ કરી હતી.


આ ફરિયાદ બાદ શહેર માળખા દ્વારા તમામ લોકોને નોટિસ આપી ખુલાસો મંગવામાં આવ્યો છે.  પોલીસ રક્ષણ આપવા અંગે શહેર સંગઠનના હોદેદારો અજાણ છે.  કાઉન્સિલર વૈશાલી જોશીનો ABP અસ્મિતાએ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.  સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અલગ-અલગ કાર્યક્રમમાં હાજર રહેવા અંગે સાથી કાઉન્સિલરો અને હોદેદારો એકલા પાડી રહ્યા હોવાના મતભેદ છે.   


અમદાવાદ મનપાના ડેપ્યુટી કમિશનર પર હુમલા મામલે પોલીસ એક્શનમાં, હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો


અમદાવાદમાં દબાણ હટાવાની કામગીરી સમયે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. હવે આ મામલે પોલીસ એક્શનમાં આવી છે. શાહીબાગ પોલીસે 9 લોકો સામે નામજોગ અને 7 અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


 હાઈકોર્ટના આદેશ પ્રમાણે અસારવા સિવિલ પાસે જહાંગીરપુરામાં રાત્રે દસ વાગ્યે દબાણ હટાવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ સહિતની ટીમ પહોંચી હતી. ટ્રાફિકને અડચણ સર્જાય તે રીતે ઉભી રાખવામાં આવેલી લારીઓને સમજાવટ કરીને હટાવવામાં આવી રહી હતી. આ સમયે અચાનક કેટલાક સ્થાનિક ધંધાર્થીઓ અને અસામાજિક તત્વો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને દબાણ હટાવતી ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારે મહાનગરપાલિકાના 25થી 30 કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


હુમલામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને માથાના ભાગે ઈજા પહોંચતા તેઓને લોહીલુહાણ હાલતમાં એસ વી પી હોસ્પિટલ ખસેડાયા હતા. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન તેમના ખબર-અંતર પૂછવા ગયા હતા. તેમણે આ ઘટનાની વખોડી કાઢીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની રજૂઆત કરવાની વાત કરી હતી.


બીજી તરફ અમદાવાદમાં રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે અગાઉ અનેક વખત ટકોર અને નિર્દેશો કરવામાં આવ્યા હતા. પરંતુ AMC તંત્રના અધિકારીઓ તેનું પાલન કરવવામાં નિષ્ફળ ગયા છે.