અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસો 600ને પાર ગયા છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ ધરાવતા અમદાવાદ માટે મોટા રાહતના સમાચાર છે. વાત એવી છે કે, અમદાવાદમાં કોરોના વકર્યો પછી ગઈ કાલે સૌથી ઓછા 197 કેસ નોંધાયા છે. ગત એક માસની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. તેમજ ગત અઠવાડિયે અમદાવાદમાં 1527 કુલ કેસ નોંધાયા હતા. તેની સામે 1534 લોકો કોરોનાથી મુક્ત થયા છે. એના પહેલાના અઠવાડિયાની વાત કરીએ તો 2087 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેની સામે 2377 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.


જૂન મહિનાની વિગતો જોઈએ તો અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કુલ 8733 કેસ નોંધાયા છે. તેની સામે 9050 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ, અમદાવાદમાં રિકવરી રેટ ખુબ સારો છે. જેને કારણે ગયા મહિને નોંધાયેલા નવા કેસની સામે વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

એટલું જ નહીં, અમદાવાદ જિલ્લામાં કોરાનાથી મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ જિલ્લામાં 15થી વધુ લોકોના મોત થયા નથી. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાથી કુલ 78 લોકોના મોત થયા છે. તેના આગલા અઠવાડિયે અમદાવાદમાં 132 લોકોના મોત થયા હતા. તેમજ છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં કોરોનાથી કુલ 599 લોકોના મોત થયા છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. જોકે, હવે અમદાવાદમાં મૃત્યુના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે.