અમદાવાદમાં કોરોનાના કેસ 60 હજારને પાર, 349 દિવસમાં વટાવ્યો આ આંકડો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Mar 2021 07:49 AM (IST)
અગાઉ મે- જૂનમાં જ્યારે કોરોના પીક પર હતો ત્યારે કોરોનાના કેસ 10 હજારથી 20 હજાર થવામાં માત્ર 34 દિવસનો સમય લાગ્યો હતો.
ફાઈલ તસવીર
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 113 કેસ નોંધાતા જ કોરોના દર્દીઓને આંક 60 હજારને પાર કરી ગયો છે. અમદાવાદમાં કોરોનાના કેસ 60 હજારને પહોંચતા 349 દિવસનો સમય લાગ્યો છે. જેમાં કેસ 50 હજારથી વધીને 60 હજાર થવામાં સૌથી વધુ 85 દિવસનો સમય લાગ્યો હતો. અગાઉ મે- જૂનમાં જ્યારે કોરોના પીક પર હતો ત્યારે કોરોનાના કેસ 10 હજારથી 20 હજાર થવામાં માત્ર 34 દિવસનો સમય લાગ્યો હતો. કોરોનાના કેસનો આંક જોતા અમદાવાદની 60 લાખની વસ્તીએ 1 ટકા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. નોંધનીય છે કે ચૂંટણી પહેલા કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જોકે છેલ્લા એક સપ્તાહથી ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે અને દરરોજ 100 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. મનપાની ચૂંટણી સમયે પ્રચારમાં જામેલી ભીડને કોરોનાનું સંક્રમણ વકરવા પાછળનું તબીબો કારણભૂત માને છે. નોંધનીય છે કે, 5 માર્ચ એટલે કે ગઈકાલે રાજ્યમાં 515 નવા કેસ નોંધાયા હતા જ્યારે 405 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4413 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 264969 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.33 ટકા પર પહોંચ્યો છે. હાલ 2858 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 2815 લોકો સ્ટેબલ છે.