ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુરૂવારે કોરોનાનો એક જ નવો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો ત્યાર બાદ છેલ્લા 12 કલાકમાં નવા સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. ચોંકાવનારી વાત એ છે કે, તમામ નવા કેસ અમદાવાદના છે અને તેમાં 7 વર્ષની એક બાળકીનો પણ સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આજે પંચમહાલના એક દર્દીનું વડોદરામાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 8 થયો છે.

કોરોના વાયરસના હોટસ્પોટ જાહેર કરાયેલા અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ અમદાવાદમાં વધી રહેલા કેસ અંગે બે દિવસ પહેલા ચિંતા પણ વ્યક્ત કરી હતી. આજના આંકડા પ્રમાણે, અમદાવાદ જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 38 પર પહોંચી ગયો છે. જેમાંથી ત્રણનાં મોત નિપજ્યાં છે અને પાંચ દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ ઘરે ગયા છે.

અમદાવાદમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન પણ ઝડપથી વધી રહ્યું છે. અમદાવાદમાં આજે જે નવા સાત કેસ સામે આવ્યા છે તેમાં માત્ર એક જ દર્દી દિલ્હીના પ્રવાસે ગયો હતો જ્યારે બાકીના છ દર્દીઓને લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ચેપ લાગ્યો છે. ત્રણ દર્દીને બાદ કરતાં બાકીના પેશન્ટ્સની ઉંમર પણ 35 વર્ષથી નીચેની છે જેમાં 7 વર્ષની બાળકી ઉપરાંત 17 વર્ષના કિશોરનો પણ સમાવેશ થાય છે. સાત પેશન્ટ્સમાંથી પાંચને એસવીપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને બેને સિવિલમાં ખસેડાયા છે.

ગુજરાતમાં હાલ 16,015 લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જેમાં અમદાવાદમાં 1,466 લોકોને સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 5,488 લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતનો નંબર આવે છે જ્યાં 2,252 લોકોને ક્વોરન્ટિન કરાયા છે. રાજ્યના 95 દર્દીમાંથી 02 વેન્ટિલેટર પર છે જ્યારે સ્ટેબલ દર્દીની સંખ્યા 75 થાય છે. 10 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ ચૂકી છે.